જામનગરમાં હાર્ટ એટેકથી બે યુવાનોના મોત, એકનું બાથરૂમમાં તો બીજાનું ચાલુ બાઈક પર હૃદય બંધ પડી ગયું
image : Freepik
Heart Attack Death Jamnagar : જામનગર જિલ્લામાં વધુ બે યુવાનોને હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો છે. જામનગર તાલુકાના ચંગા ગામમાં એક ખેડૂત યુવાનનું હૃદય બંધ પડી ગયું છે, જ્યારે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પણ એક યુવાનને હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ થયું છે.
હૃદય રોગના હુમલાનો સૌ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચંગા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ દિલીપસિંહ પિંગળ નામના 27 વર્ષના ખેડૂત યુવાનને પોતાના ઘેર બાથરૂમમાં જતાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડીયા નામના 47 વર્ષના ખેડૂત યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.