જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલી બે મહિલાઓને ફાયર બ્રિગેડની ટુકડીએ બહાર કાઢી લીધી
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા એક ખાનગી હોસ્પિટલની લીફ્ટમાં પાંચમા માળે બે મહિલાઓ ફસાઈ હતી, જેની જાણ થવાથી ફાયર બ્રિગેડની ટુકડી દોડી ગઈ હતી, અને બન્ને મહિલાઓને સહી સલામત રીતે ઉપરથી ખેંચીને બહાર કાઢી લીધી હતી. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને ગૂંગળામણ ન થાય, તે માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજન ની નળી પહોંચાડીને મદદ કરાઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની રોડ પર જી-5 શોરૂમની ઉપર આવેલી અંકુશ કેન્સર હોસ્પિટલની લિફ્ટ માં ગઈકાલે રાતે નવેક વાગ્યે એક દર્દીની ખબર કાઢવા માટે ગયેલી બે મહિલાઓ રૂકસાના બેન શરીફ ભાઈ (ઉંમર વર્ષ 52)તથા સમીનાબેન શેખ (ઉંમર વર્ષ 58) લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા, જે દરમિયાન પાંચમા માળે એકાએક લિફ્ટ અધ વચ્ચે રોકાઈ ગઇ હતી, અને તેનો દરવાજો નહીં ખૂંલતાં લિફ્ટ લોક થઈ ગઈ હતી. જેથી બંને મહિલાઓએ દેકારો કરી દીધો હતો.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી તેમજ સ્ટાફના ભરત ગોહેલ, હરદીપસિંહ જાડેજા, અજય પાંડીયન અને ભારત જેઠવા વગેરે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને દસેક મિનિટની જહેમત બાદ લિફ્ટના ઉપરના ભાગે લોક ખોલી પતરું ખેસવી એક પછી એક બન્ને મહિલાઓને ઉપરથી બહાર ખેંચી લેતાં સર્વેએ આશકારો અનુભવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓક્સિજનનો બાટલો લઈ આવી લિફ્ટની અંદર તેની નળી મારફતે બંને મહિલાઓને ઓક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થા કરી આપી હતી, જેથી પણ બંને મહિલાઓને થોડી રાહત જોવા મળી હતી.