જામનગર શહેર-જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા: અન્ય બે ફરાર
Image Source: Freepik
જામનગર શહેર–જિલ્લામાં પોલીસે ઈંગ્લીશ દારૂ અંગેના દરોડા પાડી બે શખ્સને સાત નંગ બોટલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે અન્ય બેને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી મોટર સાયકલ સહિત કુલ મળી રૂા. 53 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ રહેતો યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટી નામનો શખ્સ જીજે 10 બીકે 9629 નંબરનું એકસેસ મોટર સાયકલ ચલાવી આશાપુરા સર્કલ તરફ જતો હોય, તે વેળાએ સિટી સી ડિવિઝન પોલીસે અટકાવી તલાશી લેતાં તેની પાસેથી રૂા. 2 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 4 બોટલ મળી આવતાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જામનગરમાં રણજિતસાગર રોડ પરથી યુવરાજસિંહ બાલુભા કેર (રહે. શંકર ટેકરી, નવી નિશાળ પાછળ, જામનગર) અને ભરતસિંહ જયુભા જાડેજા (રહે. શંકર ટેકરી, ખોડિયાર માતાજીના મંદિર સામે, જામનગર) નામના બન્ને શખ્સને સિટી એ પોલીસે રૂા. 1 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપી લીધા હતા અને જીજે 10 સીએફ 5209 નંબરના બાઈક સહિત કુલ મળી રૂા. 51 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પરેશ ધોકિયા નામના શખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત જામનગરના નવાગામ ગામની સીમમાંથી એક વાડીમાં પંચ એ પોલીસે દરોડો પાડી રૂા. 500ની કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલ કબ્જે કરી હતી. વાડીના માલિક વનરાજસિંહ હેમતસિંહ સોઢાને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.