જામનગર શહેર અને ધ્રોળમાં જુદા-જુદા બે વાહન અકસ્માત્મક બે લોકોના મૃત્યુ : અન્ય પાંચને ઇજા
Accident in Jamnagar : જામનગર શહેર અને ધ્રોલ પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે જ્યારે અન્ય પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે.
જામનગર દિગજામ સર્કલ નજીક 6 જાન્યુઆરી 2024 ના દિવસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં મિથુન નામના કાર ચાલકે કૂતરું આડુ ઉતરતા એકાએક બ્રેક મારવાથી કારને પલટી મરાવી દીધી હતી. જે અકસ્માતમાં કાર ચાલક મીથુન ઉપરાંત કારમાં બેઠેલા તેના મિત્ર વિષ્ણુ અને ઉન્ની દામોદરન વગેરેને ઇજા થઈ હતી. જેમાં ઉન્ની દામોદરનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પિતા દામોદરનભાઈએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બલેનો કારના ચાલક મિથુન સામે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ ધ્રોલ નજીક વાગુદડ રોડ પર બન્યો હતો. ધ્રોલમાં ચામુંડા પ્લોટ આંબેડકર સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ દેશાભાઇ વાઘેલાનો પુત્ર અનિકેત ગોવિંદભાઈ વાઘેલા ગઈકાલે પોતાના શેઠનું મોટરસાયકલ લઈને ધ્રોળથી વાગુદડ ગામે જઈ રહ્યો હતો, અને પોતાના બાઈકમાં પાછળ એક શ્રમિક યુવાનને બેસાડ્યો હતો. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા જીજે-01 પી.એ. 0619 નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.બંને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક બાઈકના ચાલક અનિકેત ગોવિંદભાઈ વાઘેલા (ઉંમર 24) નું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેની પાછળ બેઠેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનને ગંભીર ઇજા થઈ હતી, અને બેશુદ્ધ થઈ ગયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે અન્ય બાઈકના ચાલક અને તેની સાથે રહેલા એક બાળક જે બંનેને પણ ઈજા થઈ હોવાથી સારવાર અપાઇ છે. ધ્રોલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.