જામનગરમાં બાળકોની તકરારમાં પડાશો બાખડ્યા, મહિલાનું માથું ફોડી નાખતા 20 ટાંકા આવ્યા
image : Freepik
Crime In Jamnagar : જામનગરમાં મોહનનગર જકાતનાકા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે બાળકોની દડાથી રમવા અંગે તકરાર થઈ હતી, અને સામસામ હુમલા કરાયા હતા, જેમાં એક દંપતિ પર હુમલો કરાતાં મહિલાના માથામાં 20 ટાંકા લેવા પડ્યા છે, જયારે સામા પક્ષે પણ હૂમલાની વળતી ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં મોહનનગર જકાતનાકા પાસે રહેતી રીટાબેન કિશોરભાઈ પરમાર નામની 40 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ કિશોરભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને પોતાનું માથું ફાડી નાખી 20 ટાંકા લેવા પડે તેવી ઇજા પહોંચાડવા અંગે પાડોશી પ્રેમજીભાઈ સવજીભાઈ નકુમ, રમીલાબેન પ્રેમજીભાઈ નકુમ અને તેના પુત્ર રવિ પ્રેમજીભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. જે મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જયારે સામા પક્ષે રમીલાબેન પ્રેમજીભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ ઉપર હુમલો કરવા અંગે પાડોશી કિશોરભાઈ પરસોત્તમભાઈ પરમાર અને રીટાબેન કિશોરભાઈ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.