જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે બંગલા બાંધી લેવા અંગેની વધુ બે ફરિયાદ
Image Source: Freepik
- નામચીન સાયચા બંધુઓએ સરકારી જમીનમાં વધુ બે બંગલા બનાવી લીધા હોવાથી લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો
જામનગર, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગરના બેડી વિસ્તારમાં સહકારી જગ્યામાં ગેરકાયદે બંગલો ઊભો કરી લેવા અંગે જેલમાં રહેલા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો હતો અને પોલીસ તંત્ર ની હાજરીમાં ડીમોલેશન કાર્ય હાથ ધરાયું હતું. દરમિયાન તેના જ અન્ય બે ભાઈઓએ પણ સરકારી જગ્યામાં પેશકદમી કરીને ગેરકાયદે વધુ બે બંગલા બનાવી લીધા હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અન્ય બે બંધુઓ સામે પણ લેન્ડગ્રેબિંગ અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા સાયચા બંધુઓ સામે સરકારી જમીનમાં પેશકદમી અંગેની કાર્યવાહી ચાલી રહી છે અને જેલમાં રહેલા એક આરોપી સામે ગેરકાયદે સરકારી જગ્યામાં બંગલો ઉભો કરી દેવા અંગે એક જ સપ્તાહ પહેલા લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો દાખલ કરાયા પછી તે બંગલા ની પાડતોડની કાર્યવાહી ચાલી રહી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ મામલે હાલ પૂરતો સ્ટે. આપ્યો છે.
દરમિયાન જામનગર શહેરની પ્રાંત અધિકારી ની કચેરી તેમજ મામલતદાર વિભાગની ટીમ દ્વારા બેડી વિસ્તારમાં અન્ય સરકારી જગ્યાઓ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો જે સર્વે દરમિયાન બેડી વિસ્તારની સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 40 પૈકીની સરકારી જમીનમાં વધુ બે બંગલા ખડકી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેમાં પ્રત્યેક બંગલામાં આશરે ત્રણેક હજાર ચોરસ ફૂટ જગ્યામાં બાંધકામ અને બાકીની 2,000 ફૂટ જગ્યામાં કમ્પાઉન્ડ વોલ બાંધી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી જામનગરની મામલતદાર કચેરીના તલાટી હિતેશ જાદવ જાતે ફરિયાદી બન્યા હતા અને સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં ઈમ્તિયાઝ નૂરમામદ સાયચા અને સિકંદર નૂરમામદ સાયચા કે જે બંનેએ અલગ અલગ બે બંગલા બાંધી લીધા હોવાથી તે બંને સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. જામનગર શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલાએ આ સમગ્ર પ્રકરણમાં ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક 2020ની કલમ 4(2), 4(3), 5(ગ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.