જામનગરના વિકાસગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપતા બનેલી બે સગીર બહેનો જામનગરમાંથી મળી આવતાં હાશકારો
Jamnagar Vikas Gruh Girl Missing : જામનગરના વિકાસ ગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો 10-06-2024 રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસગૃહના સંચાલિકા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી હતી, જેમાં પોલીસની તપાસ દરમિયાન બંને સગીર બહેનો જામનગરમાં રહેતા તેના કુટુંબીજનોના ઘરેથી હેમખેમ મળી આવતાં હાશકારો અનુભવાયો છે અને બંનેને ફરીથી વિકાસ ગૃહમાં મોકલી અપાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષ અને 17 વર્ષની વયની બે સગીર બહેનો, ત્રણ દિવસ પહેલાં રાત્રી દરમિયાન વિકાસગૃહમાંથી ભેદી સંજોગોમાં લાપતા બની જતાં વિકાસ ગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વીટીબેન મુકેશભાઈ જાનીએ સિટી.બી.ડિવિઝન પોલીસ મથકમાં બન્ને સગીર બહેનોના અપહરણ થઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ શરૂ કર્યા પછી બંને બહેનો જામનગર શહેરમાં જ રહેતા તેણીના સગાના ઘરમાંથી મળી આવતાં વિકાસગૃહના સંચાલકો અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, અને બંને બહેનોનો કબજો સંભાળી ફરીથી વિક્સગૃહમાં મોકલી આપી છે.
બનાવના બે દિવસ પહેલા જ બંને સગીરાની માતા મળવા માટે આવ્યા હતા, અને બંને બહેનોને વિકાસગૃહમાં પરિવાર વિના એકલા પણું લાગતું હતું, જેથી ચાલ્યા ગયા હોવાની કબુલાત આપી હતી.