Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બાઇક ચાલક પર બે બુકાની ધારીઓનો હિચકારો હુમલો , હાથ પગ ભાંગી નાખ્યા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બાઇક ચાલક પર બે બુકાની ધારીઓનો હિચકારો હુમલો ,  હાથ પગ ભાંગી નાખ્યા 1 - image

image : freepik

Jamnagar Crime : જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ જેલમાં રહેલા પોતાના પુત્રને ટિફિન દઈને બાઈક પર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે બુકાનની ધારીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને તેમના ખિસ્સામાંથી રૂપિયા 4,500 ની રોકડ રકમ આંચકી લીધી હતી. સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. અને હત્યાના બનાવના સંદર્ભમાં આ હુમલો કરાયો છે કે કેમ, તે દિશામાં તપાસ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક અયોધ્યા નગરમાં રહેતા ભીમાભાઇ કારાભાઈ વસરા નામના 62 વર્ષના બુઝુર્ગ જેઓ પોતાનો પુત્ર સાત મહિના પહેલાના હત્યા કેસના આરોપસર જેલવાસ ભોગવી રહ્યો હોવાથી તેને ટિફિન આપીને પરત ફરી રહ્યા હતા.

જે દરમિયાન  દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મોઢા પર બુકાની બાંધીને બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા, અને તેઓને રસ્તામાં રોકી ધોકા અને લોખંડના પાઇપ વડે બંને હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ફેક્ચર કરી નાખ્યા છે. તેમજ ઝપાઝપી કરી તેમના ખિસ્સામાંથી રૂપિયા 4500 ની રોકડ રકમ પણ આંચકી લીધી હતી. તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા પછી સમગ્ર મામલો સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પી.એસ.આઇ એ.વી.સરવૈયા અને તેમની ટીમ દ્વારા ભીમાભાઇ વસરાની ફરિયાદના આધારે બે બુકાનીધારીઓ સામે હુમલા અને લૂંટ અંગે ગુન્હો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે. અને બનાવના સ્થળ પરનું પંચનામું વગેરે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત બુઝુર્ગનો પુત્ર હાલ એક હત્યા કેસના આરોપસર જેલવાસ ભોગવી રહ્યો છે, જે હત્યાના બનાવના સંદર્ભમાં બદલો વાળવાના ભાગરૂપે આ હુમલો કરાયો છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.


Google NewsGoogle News