જામનગરમાં સાંઢીયાપુલ નજીક સોડા શોપમાં મહિલા વેપારીની નજર ચૂકવી બે ગઠિયાઓ 30,000 ની રોકડ લઈને છું મંતર થયા
image : Freepik
Cash Theft Case in Jamnagar : જામનગરમાં સાંઢીયા પુલ વિસ્તારમાં આવેલી એક સોડા શોપમાં વેપાર કરી રહેલી મહિલાની નજર ચૂકવી ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયાઓ ટેબલના ખાનામાંથી રૂપિયા 30 હજારની રોકડ રકમ લઈને છું મંતર થઈ જતાં ચકચાર જાગી છે. પોલીસે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલનગર નજીક અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા અને સોડા શોપની દુકાન ચલાવતા હિરેનભાઈ રમેશભાઈ કણજારીયા કે જેઓની હરસિધ્ધિ સોડા શોપ નામની દુકાન સાંઢીયા પૂલ નજીક આવેલી છે.
જ્યાં ગઈકાલે સવારે 11.00 વાગ્યાના અરસામાં તેના પત્ની સંગીતાબેન વેપાર કરતા હતા, અને પોતે બહાર ગયા હતા. જે દરમિયાન પાછળથી 25 થી 27 વર્ષની વયના બે અજાણ્યા શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા, અને સંગીતાબેનને વાતોચિતોમાં વ્યસ્ત રાખ્યા પછી તેઓની નજર ચૂકવી કાઇન્ટર ખાનામાં રાખેલી 30,000રૂપિયાની રોકડ રકમ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ વગેરેની ચોરી કરી બંને ગઠિયાઓ છું મંતર થયા હતા.
થોડીવાર બાદ વેપારી મહિલા સંગીતાબેનને ઉપરોક્ત રોકડની ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં પોતાના પતિને ફોન કરીને બોલાવાયા હતા, અને સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં પોલીસે દુકાનના માલિક કેતન કણજારીયાની ફરિયાદના આધારે બે અજાણ્યા સક્ષો સામે ગુનો નોધ્યો છે, અને સીસીટીવી કેમેરાની મદદથી બંનેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરાઈ છે.