જામનગર નજીક સચાણાના દરિયામાં મોન્સૂન બ્રેક દરમિયાન ગેરકાયદે માછીમારી કરી રહેલા બે માછીમાર પકડાયા
Image Source: Freepik
જામનગર નજીક સચાણાના દરિયાઈ વિસ્તારમાં હાલ મોનસુન બ્રેક ચાલી રહ્યું છે જેનો ભંગ કરીને માછીમારી કરી રહેલા બે માછીમારોને પકડી લેવાયા છે, અને બંને સામે બેડી મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરી ના તંત્ર દ્વારા તાજેતરમાં ચોમાસાની સિઝનને લઈને મોનસુન બ્રેક જાહેર કરાયું છે, અને દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે.
જે જાહેરનામાની અમલવારીનો ભંગ કરીને સચાણા ના બે માછીમારો ગેરકાયદે રીતે પોતાની બોટ લઇને નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને માછીમારો હનીફ ખુરેશી તેમજ અમીર હુસેન જુમાભાઇ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી માછીમારી બોટ કબજે કરી લઈ બંને સામે બેડી મરિન પોલીસ મથકમાં આઇપીસી કલમ 188 તેમજ બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.