જામનગરના કાલાવડ નજીક બાલંભડી નદીમાં નાહવા પડેલા શ્રમિક પરિવારના બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ
Child Drowning in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલી બાલંભડી નદીમાં શ્રમિક પરિવારના બે બાળકો નાહવા પડ્યા હતા, અને ડૂબી જવાથી બંનેના કરુણ મૃત્યુ નીપજયા છે. ગુમ થયેલા બંને બાળકોને શ્રમિક યુવાને જાતે નદીમાંથી શોધ્યા હતા, અને આઠ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રીના મૃતદેહને જાતે જ બહાર કાઢતાં ભારે ગમગીની છવાઈ હતી, અને ક્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ગોધરાના વતની સુનિલભાઈ આદિવાસી કે જેઓ પોતાના પરિવાર સાથે જામનગર જિલ્લાના કાલાવડ નજીક બાલંભડી નદીની બાજુમાં રહે છે, અને નજીકના જ ખેતરમાં મજૂરી કામ કરે છે. જેઓને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર ચિરાગ અને છ વર્ષની પુત્રી શ્વેતા કે જે બંને ઘર પાસે રમતા હતા, અને પતિ પત્ની ખેતરમાં મજૂરી કામ કરી રહ્યા હતા.
દરમિયાન બપોરે બારેક વાગ્યાના અરસામાં બંને બાળકો ગરમીના કારણે મુક્તિ મેળવવા માટે નદીમાં નાહવા માટે પડ્યા હતા, અને પોતાના કપડા નદી કાંઠે રાખ્યા હતા. બપોરના એકાદ વાગ્યાના અરસામાં સુનિલભાઈ અને તેના પત્ની ભોજન માટે પરત ફરતાં તેઓના સંતાનો જોવા મળ્યા ન હતા. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં નદીના કાંઠે બંનેના કપડાં રાખેલા જોવા મળ્યા હતા. જેથી સુનિલભાઈ નદીના પાણીમાં કૂદી પડ્યા હતા, અને પાણીમાં તપાસ કરતા તેના બંને સંતાનો ચિરાગ (8 વર્ષ) અને શ્વેતા (6 વર્ષ) મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેથી ભારે ગમગીની ભર્યું વાતાવરણ બન્યું હતું. પિતા સુનિલભાઈએ ભારે હૈયે પોતાના બંને સંતાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ સમયે 108 ની ટીમ અને કાલાવડ પોલીસ ટુકડી પણ બનાવના સ્થળે આવી પહોંચી હતી. દરમિયાન કાલાવડના પોલીસએ બંને બાળકોના મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને કાલાવડની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા પછી બાળકોના મૃતદેહો તેના પિતા સુનિલભાઈને સોંપી દીધા હતા. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.