જામનગરમાંથી બે અબોલ જીવને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ બચાવ્યા, બે લોકોની અટકાયત
image : File photo
Jamnagar News : જામનગર શહેરમાંથી બે અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં જીવ દયા પ્રેમીઓએ પીછો કરીને રિક્ષામાં લઈ જવાતા બે પશુઓને બચાવી લીધા છે, અને પોલીસને સુપ્રત કર્યા છે. પોલીસે બંને કસાઈ શખ્સોની અટકાયત કરી લઈ પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જનતા ફાટક પાસે રહેતા અને વીમા પોલિસીનું કામ કરતા જીવ દયા પ્રેમી યુવાન પરેશ મોહનભાઈ સાવલિયાને જાણકારી મળી હતી કે એરફોર્સના ગેઇટ પાસે એક રિક્ષામાં બે પશુ (પાડા) ને ખીચોખીચ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે, જેથી તે રીક્ષાનો પીછો કરીને અટકાવ્યા હતા, અને તુરંત પોલીસને બોલાવીને સુપ્રત કરી દીધા હતા.
પોલીસે એક રીક્ષા કબજે કરી લઇ અંદર રહેલા બે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે રીક્ષા ની અંદર બેઠેલા રફીક રજાકભાઈ પટણી અને હુસેન જાનીભાઈ કસાઈ નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ સામે પશુ પ્રત્યે ઘાતકી પણું પ્રતિબંધ અધિનિયમ 1960 ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.