Get The App

જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બીમારીથી કંટાળી જઇ આત્મહત્યાના બે કિસ્સા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બીમારીથી કંટાળી જઇ આત્મહત્યાના બે કિસ્સા 1 - image


- જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા વાઘેર યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત 

- કાલાવડના ખાનકોટડા ગામમાં રહેતા 55 વર્ષીય પ્રૌઢ મહિલાનો ડાયાબિટીસ અને મગજની બીમારીથી કંટાળી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત

જામનગર,તા.26 માર્ચ 2024,મંગળવાર

જામનગરના માધાપર ભુંગા તેમજ કાલાવડ પંથકમાં હોળીના તહેવારના સપરમાં દિવસે આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે, અને એક યુવાન તથા એક પ્રૌઢ મહીલાએ આત્મહત્યા કરી લઇ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

 આત્મહત્યાનો સૌપ્રથમ બનાવ જામનગરમાં માધાપર ભુંગા વિસ્તારમાં બન્યો હતો. જયાં રહેતા ગુલામ હુસેન ઈસ્માઈલભાઈ કમોરા નામના 37 વર્ષના વાઘેર યુવાને છેલ્લા 12 વર્ષની પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ, ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. 

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ સરફરાજ ઈસ્માઈલભાઈ કમોરાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 આપઘાતનો બીજો બનાવ કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા સવિતાબેન નાગજીભાઈ ગલાણી નામના 55 વર્ષના પ્રૌઢ મહિલા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ તેમજ મગજની બીમારીથી પીડાતા હતા, અને તેની દવા લેવા છતાં પણ સારું થતું ન હોવાથી પોતાની જિંદગીથી તંગ આવી જઇ ઘરમાં પડેલું તેલ પોતાની કાયા પર રેડી દીધું હતું ત્યારબાદ પોતે અગ્નિસ્નાન કરી લેતાં તેઓનું ગંભીર રીતે દાજી ગયા પછી મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પતિ નાગજીભાઈ મોહનભાઈ ગલાણીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News