જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બે લુખા તત્વોનો આતંક: વેપારી મહિલા પર નિર્લજ્જ હુમલો
- બન્ને શખ્સોએ દુકાનમાં ઘૂસી જઈ તોડફોડ કર્યાની અને રૂપિયા 3000ની રોકડ ની લૂંટ ચલાવ્યાની ફરિયાદ
- ઉધાર માલના પૈસા ચૂકવવા બાબતે તેમજ આરોપીઓ સામે વેપારીએ દારૂનો કેસ કરાવ્યા ની શંકાના આધારે હુમલો કરાયો
જામનગર,તા.25 નવેમ્બર 2023,શનિવાર
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બે લુખા તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો છે. એક વેપારી દુકાનદાર મહિલાની દુકાનમાં ઘૂસી જઈ ફર્નિચર વગેરેને તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારે દુકાનમાં હાજર રહેલી વેપારી મહિલા પર નિર્લજ્જ હુમલો કરી સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બે નામચીન શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે.
આરોપીઓ દુકાનમાંથી ઉધાર માલ લઈ ગયા પછી તેના પૈસા ચૂકવવા બાબત તેમજ પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે દારૂ નો કેસ કરાયો હતો, જેમાં વેપારી દ્વારા ફરિયાદ કરાક હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી અને મહાલક્ષ્મી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતી ભાવનાબેન મુકેશભાઈ તન્ના નામની 45 વર્ષની સિંધી લોહાણા વેપારી મહિલાએ પોતાના પર નિર્લજ્જ હુમલો કરી સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે તેમજ દુકાનના કાઉન્ટર માંથી રૂપિયા 3000 ની રોકડ રકમની લૂંટ ચલાવવા અંગે તેજ વિસ્તારમાં રહેતા બે માથાભારે શખ્સો બીપીન સોમાભાઈ ચાવડા અને હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા સામે પોતાની દુકાનમાં ઘૂસી જઇ તોડફોડ કરવા અંગે તેમજ પોતાના શરીર સાથે અડપલા કરીને લાજ લૂંટવાનો પ્રયાસ કરવા અંગે અને રૂપિયા 3000 ની લૂંટ ચલાવી સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની દુકાનેથી આરોપી રૂપિયા 17,000 નો માલ સામાન ઉધાર લઈ ગયા હતાં, જેથી મહિલા દુકાનદાર દ્વારા તેના પતિને જાણ કરાયા પછી પતિ દ્વારા તે પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી.
ઉપરાંત તાજેતરમાં આરોપીઓ સામે દારૂ નો કેસ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી મહિલા અને તેના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરાઈ હોવા ના કારણે મનદુઃખ રાખી દુકાનમાં આવી તોડફોડ કરી નાખ્યા પછી બંનેએ દુકાનદાર મહિલા વેપારી પર નિર્લજ્જ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારતાં જીટીસી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 392, 354, 457, 427, 504, 506-2 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.