લાલપુર તાલુકાના આરબલુસ નજીક ઝુપડામાં લૂંટ ચલાવનારા બે આરોપીઓ ઝડપાયા
iamge : Freepik
- પોલિસે પકડેલા કુખ્યાત સાતનારી ગેંગના સભ્ય સામે સૌરાષ્ટ્રભરમાં અન્ય 10 ગુના નોંધાયા છે
જામનગર,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામ પાસે શ્રમિક પરિવારના ઝુપડે બે લૂંટારુઓ ત્રાટકયા હતા, અને શ્રમિક યુવાનને ધાક ધમકી આપી રોકડ રકમ અને મોબાઇલ ફોન તેમજ તેની પત્નીના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બંને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા એલ.સી.બી પોલીસ ટીમે સાતનારી ગેંગના સભ્ય સહિત બે આરોપીઓને જામનગરમાંથી ઝડપી પાડ્યા છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલૂસ ગામ પાસે ઝૂંપડું બાંધીને રહેતા કાલુભાઈ ફતિયાભાઈ મેડા નામનાં આદિવાસી શ્રમિક યુવાને લાલપુર પોલીસ પથકમાં બે લુટારુઓ સામે પોતાના ઝુપડામાં પ્રવેશ કરી પોતાને ભય બતાવી પોતાના રૂપિયા ૩,૦૦૦ ની રોકડ અને 5,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન તેમજ ઝુપડાની દીવાલની ખીંટીમા ટીંગાળેલી થેલીમાંથી પત્નીની ચાંદીની બંગડી અને ઝુમખા સહિત કુલ રૂપિયા 9,800 ની માલમત્તાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.
આથી પોલીસે બન્ને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન એલસીબી પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે જામનગરના ચાંદી બજારમાંથી ધીરુ ઉર્ફે ધોળિયો મનજી સોલંકી ( રે.સિક્કા પાટિયા ,મૂળ માળિયા હાટીના ) અને પરેશ ધીરુ.વાઘેલા ( રે.ધ્રોલ) ને ઝડપી પડ્યા હતા.
પોલીસે તેના કબ્જામાંથી 3000 રોકડા, રૂ.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, ચાંદીના ઘરેણા અને રૂ.40 હજારનું બાઈક મળી કુલ રૂ.54800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ધિરુ સોલંકી કુ સાત નારી ગેંગનો સભ્ય છે. અને તેની સામે અગાઉ સામગ્ર સૌરાષ્ટ્રભરમાં 10 ગુના નોંધાઈ ચૂક્યા છે.