Get The App

જામનગરના દરેડ વિસ્તારમાં બ્રાસ પ્રોડક્ટની કંપનીમાંથી 82 લાખનો માલ સામાન ભરીને નાશિક જવા માટે નીકળેલો ટ્રક ચાલક છુંમંતર

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
જામનગરના દરેડ વિસ્તારમાં બ્રાસ પ્રોડક્ટની કંપનીમાંથી 82 લાખનો માલ સામાન ભરીને નાશિક જવા માટે નીકળેલો ટ્રક ચાલક છુંમંતર 1 - image


-  ટ્રક ચાલકે બ્રાસપાર્ટનો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ: ખાલી ટ્રક કામરેજ પાસેથી રેઢો મળ્યો

જામનગર,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારીની પેઢીમાંથી નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો છે. ટ્રકમાંથી બ્રાસનો સામાન ક્યાંક બીજે ઉતારી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, જ્યારે ખાલી ટ્રક કામરેજ પાસેથી બિન વારસુ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.

 આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટની પેઢીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા 82,25,780 ની કિંમતનો તૈયાર બ્રાસ પાર્ટનો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યાને ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયાની કંપનીને જામનગર થી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટે નો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી રૂપિયા 82,25,780 ની કિંમતનો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો.

 જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જી.જે.10 ટી.વાય. 7743 નંબરના ટ્રકમાં 10 ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં 300 નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન 9838 કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા 82,25,780 થવા જાય છે.

 જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગર થી ટ્રક ચાલક નીકળ્યા પછી ગઈકાલ સુધીમાં નાસિકના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટનો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો.

 જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ 407 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News