અલિયાબાડા પાસે બે કાર અને સ્કૂટર વચ્ચે ત્રીપલ અકસ્માત : સ્કૂટર ચાલકનું મૃત્યુ, અકસ્માત બાદ કારચાલક ફરાર
Accident in Jamnagar : જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે જુદી જુદી બે કાર અને સ્કૂટર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક પ્રૌઢનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સ્કૂટરમાં બેઠેલા તેના ચાર વર્ષના પૌત્રને ઈજા થઇ છે. ત્યારબાદ અન્ય એક કારમાં બેઠેલા દંપતિ પૈકી મહિલાને પણ ગંભીર ઈજા થઈ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા અશોકભાઈ ગરોધરા નામના પ્રૌઢ પોતાનું એકટીવા સ્કૂટર લઈને તેમાં ચાર વર્ષના પૌત્ર પર્વને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલી જી.જે.03 એમ.આર.3582 નંબરની વોક્સવેગન કારના ચાલકે એકટીવા સ્કૂટરને ઠોકરે ચડાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક જી.જે. 10 ડી.ઇ. 5177 નંબરની સેલેરિયો કારને પણ ઠોકરે ચડાવી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી છૂટ્યો હતો.જે અકસ્માતમાં એકટીવા સ્કૂટરના ચાલક અશોકભાઈ ગરોધરાને ગંભીર થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેના પૌત્ર પર્વ (ચાર વર્ષ)ને મોઢાના ભાગે ઇજા થઈ હતી.
આ ઉપરાંત અન્ય સેલેરિયો કારમાં બેઠેલા મહેશભાઈ સોમાભાઈ પરમાર અને તેના પત્ની નીલમબેન સોમાભાઈ પરમાર, જે દંપતિ પૈકી નીલમબેનને પણ માથાના અને મોઢાના ભાગે તેમજ પગમાં ઇજા થઈ હતી, અને તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક અશોકભાઈ પ્રજાપતિના પુત્ર ધાર્મિક અશોકભાઈ ગરોધરાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં વોક્સવેગન કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.