જામનગર: લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમા કરૂણાંતિકા સર્જાઈ, વીજઆંચકો પિતા-પુત્ર બન્ને ને ભરખી ગયો
- પુત્ર ઉપર જીવંત વીજ વાયર પડતાં પુત્રને બચાવવા જતાં પિતાને પણ આંચકો લાગવાથી બંનેના કમકમાટીભર્યા મૃત્યુ
જામનગર, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે, અને પિતા પુત્ર બન્ને ને વીજઆંચકો ભરખી ગયો છે. પુત્ર ઉપર પડેલા જીવંત વીજ વાયરને દૂર કરવા માટે ગયેલા પિતાને પણ બંનેના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા, અને પરિવારમાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે.
લાલપુર તાલુકાના બેરાજા ગામ માં રહેતા નિરવ પ્રકાશભાઈ પરમાર નામનો 10 વર્ષનો બાળક પોતાના ઘર નજીક ઉભો હતો, તે દરમિયાન જીવંત વીજ વાયરો તૂટી ને માથે પડ્યો હતો. જેથી તે તરફડીયા મારી રહ્યો હતો.
આ સમયે તેના પિતા પ્રકાશભાઈ ભવાનભાઈ પરમાર કે જેનું ધ્યાન કપડતાં તેઓ દોડી આવ્યા હતા, અને પુત્ર ને બચાવવા જતાં પોતાને પણ આંચકો લાગી ગયો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે વિજય કાનજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં લાલપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને પિતા પુત્રના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં કરુણાતિક સર્જાઇ છે. પિતા-પુત્રના મૃત્યુને લઈને મચ્છુ બેરાજા ગામ માં પણ ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.