જામનગરના શ્રાવણી મેળામાં નિયમ ભંગ બદલ મારુતિ મોતના કુવા સહિતની ત્રણ રાઇડ બંધ કરાવાઈ
Image: Freepik
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી. તથા ગાઈડ લાઇન ને સનુસરીને મશીન મનોરંજનની ૧૪ જેટલી રાઈડ લગાવવામાં આવી હતી, જેમાં આ વખતે એક પ્લોટ માં એક રાઇડ મૂકવાની થતી હતી, પરંતુ જુદા જુદા બે પ્લોટ માં એક થી વધુ રાઈડ મુકવામાં આવી હોવાનું તંત્રને ધ્યાનમાં આવતાં જોઈન્ટ વ્હીલ તેમજ બ્રેક ડાન્સ સહિતની બે રાઇડ બંધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત મારુતિ મોતનો કૂવો કે જેને યાંત્રિક રાઈડ નું ફિટનેસ મળતું ન હોવાથી, અને તે હસ્તકલા માં આવતી હોવાથી તેની મંજૂરી મેળવવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, અને હાલ મહાનગરપાલિકા દ્વારા મારુતિ મોતના કુવાની રાઇડ પણ બંધ કરાવી દેવામાં આવી છે. જેથી જામનગર વાસીઓના મનોરંજનમાં ઘટાડો થયો છે.
પ્રતિ વર્ષ નાની મોટી ૨૫ જેટલી રાઇડ લગાવવામાં આવે છે, પરંતુ આ વખતે નવી ગાઈડ લાઇન મુજબ દરેક પ્લોટ ની વચ્ચે જગ્યા મુકેલી હોવાથી તંત્ર દ્વારા માત્ર ૧૪ રાઈડ ચલાવવા માટેની મંજૂરી અપાઇ હતી, જે પૈકીની ત્રણ રાઇડ બંધ કરાવતાં હાલ સાડા સાત લાખ જેટલી માનવ વસ્તી વચ્ચે એકમાત્ર ૧૧ રાઈડ લોકોના મનોરંજન માટે ચાલુ રહી છે, જેથી રાઈડમાં બેસવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.