જામનગરના જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોન પ્રકરણમાં એસ.ઓ.જી.ની તપાસમાં ત્રણ કેદીઓના નામ ખૂલ્યા

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
જામનગરના જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોન પ્રકરણમાં એસ.ઓ.જી.ની તપાસમાં ત્રણ કેદીઓના નામ ખૂલ્યા 1 - image


Image Source: Freepik

- હત્યા કેસ પ્રકરણમાં જેલમાં રહેલા આરોપીએ મોબાઈલ ફોન નો ઉપયોગ કર્યો હોવાથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવાયો

- જેલમાં રહેલા અન્ય બે કેદીઓએ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હોવાથી તે બંનેની અટકાયત કરવા કાર્યવાહી

જામનગર, તા. 08 ઓક્ટોબર 2023, રવિવાર

જામનગરની જિલ્લા જેલમાં તાજેતરમાં સર્ચ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો, તે મોબાઇલ ફોનની એસ.ઓ.જી ની ટીમ દ્વારા કોલ ડિટેઇલ મેળવ્યા પછી જામનગરના હત્યા કેસના એક આરોપી સહિત ૩ કેદીઓ દ્વારા તેનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે, અને એક આરોપીને એસ.ઓ.જી.એ ઝડપી લીધો છે, ઉપરાંત જેલમાં રહેલા અન્ય બે કેદીઓ નો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરની જિલ્લા જેલમાં પખવાડિયા પહેલા સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું, જે દરમિયાન સીમકાર્ડ વગરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તે મોબાઈલ ફોન કબજે કરી લઇ તેની કોલ ડીટેઇલ કઢાવી ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી.

જે મોબાઈલ ફોનમાં અગાઉ એક સીમકાર્ડનો ઉપયોગ થયો હતો, અને તે સીમકાર્ડ ફરીથી એકટીવ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તે સીમકાર્ડ ધારક નું નામ મેળવી લીધા પછી સીમકાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિને એસ.ઓ.જી ની ટીમે શોધી કાઢ્યો હતો. જામનગરમાં ગુલાબ નગર સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા મુકેશ નરશીભાઈ રાઠોડ દ્વારા સીમકાર્ડ નો ઉપયોગ કરાયા નું ધ્યાનમાં આવ્યું હોવાથી તેને એસ.ઓ.જી.ની કચેરીએ બોલાવીને ઊંડાણપૂર્વક ની પૂછ પરછ કરતાં તેણે આખરે જેલની અંદર મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ નાખીને ઉપયોગ કર્યો હોવાનું કબૂલી લીધું હતું.

એક હત્યા કેસમાં પોતે જેલવાસ ભોગવી રહ્યો હતો, તે દરમિયાન તેણે આ સીમકાર્ડનો ઉપયોગ કર્યા ની કબુલાત આપી હતી. જો કે હાલમાં તે જેલ મુક્ત થયો છે.

એસ.ઓ.જી. ની ટિમ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ માં જેલની અંદર રહેલા અન્ય બે કેદીઓ જેમાં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા રાહુલ ત્રિપાઠી તેમજ અન્ય ગુનામાં જેલવાસ ભોગવી રહેલા ઈરફાન અબ્બાસ ભાઈ કે જે બંનેએ પણ પોતાના સીમકાર્ડ ઉપરોક્ત મોબાઈલ ફોનમાં નાખીને તેનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પોલીસ દ્વારા હાલ જેલ વાસ ભોગવી રહેલા બંને કેદીઓનો જામનગરની અદાલત મારફતે કબજો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News