જામનગર શહેર, ધ્રોળ અને મોટી ખાવડીમાં અપમૃત્યુના ત્રણ કિસ્સા : કેન્સરની બીમારીમાં બુઝુર્ગનું મૃત્યુ, બે લોકો પટકાયા
Death in Jamnagar : જામનગર શહેર-ધ્રોળ અને મોટીખોડીમાં અપમૃત્યુના ત્રણ કિસ્સા બન્યા છે. જામનગરના 70 વર્ષના એક બુઝુર્ગનું કેન્સરની બીમારીમાં સપડાયા પછી મૃત્યુ નીપજ્યું છે. ઉપરાંત મોટી ખાવડી અને ધ્રોલમાં બે વ્યક્તિના પટકાઈ પડવાના કારણે મૃત્યુ નીપજ્યા છે.
જામનગરમાં ખોડીયાર કોલોની ખોડીયાર મંદિરની પાછળના વિસ્તારમાં રહેતા નટવરલાલ વલ્લભદાસ કલોલિયા નામના 70 વર્ષના બુઝુર્ગ કે જેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા, અને તેઓના મોઢાનું કેન્સરનું ઓપરેશન કરાવાયું હતું. દરમિયાન તેઓ પોતાના ઘેર બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી સ્વસ્તિક જીનિંગ મિલમાં કામ કરી રહેલા રમેશભાઈ ખોડુભાઈ સોલંકી નામનો 35 વર્ષના યુવાન પોતાના રૂમની બહાર બાથરૂમ કરવા જતાં અકસ્માતે આંચકી આવવાથી પટકાઈ પડતાં સારવાર માટે પડધરીની હોસ્પિટલમાં ખસેડાયા પછી તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.
આ ઉપરાંત જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતા મૂળ બિહાર રાજ્યના વતની રાજેન્દ્રરામ નાગારામ નામના 54 વર્ષના આધેડનું પોતાના ઘેર બાથરૂમને બાજુમાં અકસ્માતે પટકાઈ પડતાં માથાના ભાગે ઈજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું છે. જે મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.