જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળા માટે વીજતંત્ર સજ્જ, 200 કેવીએના ત્રણ ટ્રાન્સફોર્મર ઊભા કરાયા
Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે અને નાની-મોટી મશીન મનોરંજનની રાઈડ ચાલું કરવા માટેનો પૂરતો વીજ સપ્લાય ચાલુ રહે તે માટે પ્રદર્શન મેદાનની આગળ અને પાછળના ભાગે જુદા-જુદા 200 કેવીએના 3 ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ 600 કે.વી.એ.નો વિજ લોડ ઉપલબ્ધ કરાવાયો છે. જે જુદા-જુદા 11 કેવીએના જુદા જુદા બે ફીડર મારફતે મેળા મેદાનમાં પાવર સપ્લાય ચાલુ રહેશે. તે પ્રકારની વ્યવસ્થા પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા મેળાના પ્રારંભ પહેલાં જ ઊભી કરી લેવામાં આવી છે.
જામનગરના શ્રાવણી મેળાના રાઈડ ધારકો અને સ્ટોલ ધારકો વગેરે દ્વારા અલગ અલગ 15 જેટલા હંગામી વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે. અને 600 કિલો વોટ પૈકી 481 કિલો વોટનું વિભાજન કરીને વિજ તંત્ર દ્વારા હંગામી વિજ જોડાણ આપવા માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર તેમજ તેમની સમગ્ર ટિમ દ્વારા મેળાના 15 દિવસ માટેની જરૂરી સ્ટાફની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળા મેદાનની અંદર 50 થી વધુ થાંભલાઓ ઊભા કરીને તેમજ 100 થી વધુ હેલોજન લાઇટ લગાવીને સમગ્ર મેળા મેદાનને ઝળહળતું કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ જવાની સંભાવના ઉપસ્થિત થાય તો તેના વિકલ્પ રૂપે જનરેટર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.