જામનગરમાં હરિયા કોલેજ રોડ પર પ્રકાશ એવન્યુંમાં એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવતા તસ્કરો
image : Freepik
Theft Case in Jamnagar : જામનગરમાં હરિયા કોલેજ રોડ પર આવેલી પ્રકાશ એવન્યુમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને ત્રણેય મકાનોમાંથી રૂપિયા 25,000 ની રોકડ રકમ સોનાની બુટ્ટી, પેન્ડલ, તેમજ વિદેશી કરન્સી સહીત રૂપિયા 1,89,500 ની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટીએ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.
જામનગરમાં હરિયા કોલેજ રોડ ઉપર જકાતનાકા સામે પ્રકાશ એવન્યુમાં રહેતા મહેશભાઈ રણછોડભાઈ પટેલના બંધ રહેણાંક મકાનને 2 તારીખના રાત્રિના સમયે કોઈ તકરોએ નિશાન બનાવી લીધું હતું અને પોતે ઓફીસે ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાંથી રૂપિયા 25,000 ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી.
આ ઉપરાંત તેના પાડોશમાં રહેતા મનિષાબેન સંતોષભાઈ નામના મહિલાના મકાનમાંથી તસ્કરો 650 ગ્રામ વજનની સોનાની કાનની બુટ્ટી અને ગણપતિનું પેન્ડલ વગેરેની ચોરી કરી ગયા હતા.
ત્યારબાદ બાજુમાં જ આવેલા રવિન્દ્રસિંહ ભૂદેવસિંહના બંધ રહેણાંક મકાનને પણ નિશાન બનાવી લઇ તેમના મકાનમાંથી 2500 યુએસ ડોલર, કે જેની ભારતીય કરન્સી પ્રમાણે દોઢ લાખ રૂપિયા થવા જાય છે. ઉપરાંત ચાઈનીઝ કરન્સી કે જેની ભારતીય રકમ 8,000 થવા જાય છે. જે કુલ મળી કુલ 1,89,500 ની માલમતાની ત્રણેય મકાનમાંથી તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે મહેશભાઈ પટેલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા પછી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.