જામનગરના જગા ગામમાં 24 કલાક માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવતા તસ્કરો
image : Freepik
- મકાન માલિક લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા દરમિયાન તસ્કરો 30 હજારની રોકડ અને સોનાના વીટી સહિતની સામગ્રી ચોરી ગયાની ફરિયાદ
જામનગર,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
જામનગર તાલુકાના જગા ગામમાં એક મકાન માલિક પોતાના મકાનને તાળું મારીને લગ્ન પ્રસંગમાં ગયા હતા, દરમિયાન 24 કલાક માટે બંધ રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી 30,000 ની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હકુભા જીવુભા જાડેજા (ઉંમર વર્ષ 40) કે જેઓ પરમદીને પોતાના મકાનને તાળું મારીને લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે બહાર ગામ ગયા હતા, ત્યાંથી ગઈકાલે પરત આવતાં તેઓના મકાનના તાળા તૂટેલા નજરે પડ્યા હતા.
તેઓએ અંદર પ્રવેશ કરી ચેકિંગ કરતાં કબાટમાં રાખેલી રૂપિયા 30 હજારની રોકડ રકમ ઉપરાંત સોનાની બે નંગ વીટી, અને એક સોનાનો ઓમકાર સહિત 38,500 ની માલમતા કોઈ તસકરો ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરો શોધવા માટેની કવાયત હાથ ધરી છે.