જામનગરના રાજીવનગર વિસ્તારમાં એક બાંધકામના સ્થળે થયેલી લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
- એક મહિલા સહિત બે તસ્કરની અટકાયત: બાર નંગ ચોરાઉ લોખંડના સળિયા કબજે લેવાયા
જામનગર,તા.18 માર્ચ 2024,સોમવાર
જામનગરના રાજીવ નગર વિસ્તારમાં એક નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે, તે સ્થળેથી રૂપિયા દસ હજારની કિંમતના લોખંડના બાર નંગ સળિયા ચોરાયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને એક મહિલા સહિત બે તસ્કરોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ચોરાઉ સળિયા કબજે કરી લેવાયા છે.
જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ સોહનલાલ મુરદરીયા કે જેના દ્વારા નવું મકાન બનાવાઈ રહ્યું હતું, તેમના મકાનના બાંધકામના સ્થળેથી બે દિવસ પહેલા રાત્રિના સમયે 12 નંગ લોખંડના સળિયા ચોરાઈ ગયા હતા.
જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, તે ફરિયાદ બાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ હરકતમાં આવ્યો હતો, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને લોખંડના સળિયા ની ચોરી કરનાર જામનગરના વિક્રમ હરિદાસ પરમાર અને ગુડીબેન કિશનભાઇ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,000 ની કિંમતના 12 નંગ લોખંડના સળિયા કબજે કરી લીધા છે.