જામનગર શંકર ટેકરી વિસ્તારમાં આવેલી જીઆઇડીસી કચેરીના પ્રાદેશિક મેનેજરને બંધક બનાવાયા
- પિતા-પુત્ર સહિતના 4 પ્લોટ ધારકો સામે ફરજમાં રુકાવટ અને ધાક ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર
જામનગર, તા. 27
જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કચેરીના પ્રાદેશિક મેનેજરની ચેમ્બરમાં પહોંચી જઈ તેઓને બંધક બનાવી ફરજમાં રૂકાવટ કરવા અંગે જામનગરના એક પિતા પુત્ર સહિતના ચાર પ્લોટધારકો સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ રુકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા અને શંકર ટેકરી વિસ્તારમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ (જી.આઈ.ડી.સી.)ની કચેરીમાં ઇન્ચાર્જ પ્રાદેશિક મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ ચંદુભાઇ પટેલ નામના સરકારી અધિકારીએ પોતાની ફરજમાં રૂકાવટ કરી કચેરીમાં બંધક બનાવવા અંગે જામનગરના દિનેશ શંકરલાલ કનખરા, અને તેના પુત્ર ભવ્ય કનખરા, તેમજ ભાઈ પરેશ શંકરભાઈ કનખરા અને મનિનદરસિંગ પી. બજાજ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ઇન્ચાર્જ પ્રાદેશિક મેનેજર આર.સી.પટેલ કે જેઓ જીઆઇડીસીની કચેરીમાં પોતાની ફરજ પર ચેમ્બરમાં બેઠા હતા, તે દરમિયાન આરોપી દિનેશ કનખરા અને તેના પુત્ર સહિતના ચાર લોકો જી.આઇ.ડી.સી. ની કચેરીએ પ્લોટ ની ફાળવણી ના બહાને ચેમ્બરમાં ધસી આવ્યા હતા, અને તેઓએ બોલાવેલી મિટિંગમાં મુલત્વી રાખી હોવા છતાં પણ ગેરકાયદે મંડળી રચી અન્ય રજૂઆત કર્તાઓને ઉશ્કેરીને ઇન્ચાર્જ મેનેજરને ચેમ્બરમાં અટકાવી રાખ્યા હતા, અને ફરજ મા રૂકાવટ પેદા કરી હતી.
એટલું જ માત્ર નહીં તેઓને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી સમગ્ર મામલો સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે જીઆઇડીસીના ઇન્ચાર્જ મેનેજરની ફરિયાદના આધારે પિતા-પુત્ર સહિત ના ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 143,149,342,109,186,504 ને 506-2 હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઇને ઉદ્યોગકારોમાં ભારે ચકચાર જાગી છે.