જામનગરમાં તાપમાનનો પારો ફરી ગગડ્યો, 12.5 ડીગ્રી સાથે બેઠો ઠાર
જામનગર,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર
ઓખો જગથી નોખો વાસ્તવમાં હાલાર જગથી જ નહીં રાજ્યથી પણ નોખો હોવાનું હવામાન પરથી જણાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો ઉંચે ચડતાં ઠંડીમાં રાહત નોંધાઈ હતી. તો જામનગરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યુ હતું.
જામનગર શહેરમાં આજે સવારના આઠ વાગ્યે પૂરા થતા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડીગ્રીના ઘટાડા સાથે 12.5 ડીગ્રી, મહત્તમ તાપમાનનો પારો 0.5 ડીગ્રીના ઘટાડા સાથે 27.5 ડીગ્રીએ પહોંચતા રાત્રિના ભાગે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
હવામાં ભેજનું પ્રમાણ 76 ટકાએ પહોંચતા વહેલી સવારે ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો. જ્યારે પવનની તીવ્રતામાં વધારો થયો હતો અને પ્રતી કલાકના 25 થી 30 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો.