પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા સલીમ દુરાનીએ વીતેલા વર્ષોમાં ક્રિકેટ ક્ષેત્રે વિશ્વભરમાં જામનગરનો ડંકો વગાડ્યો
ભારતના મહાન પૂર્વ ક્રિકેટર સિક્સર ના બેતાજ બાદશાહ જામનગરના વતની સલીમ દુરાનીએ લીધા અંતિમ શ્વાસ
ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યે ફાની દુનિયા ને કરી અલવિદા: ઢોલિયા પીરની દરગાહ પાસેના કબ્રસ્તાનમાં કરાઇ દફનવિધિ
જામનગર, તા. 2 એપ્રિલ 2023 રવિવાર
સિક્સરના બેતાજ બાદશાહ અને ક્રિકેટ ક્ષેત્રે દેશ વિદેશમાં જામનગરનું નામ રોશન કરનારા મહાન ક્રિકેટર સલીમ દુરાનીનું આજે નિધન થયું છે. જે દુઃખદ જનક સમાચાર સામે આવતાંની સાથે જ ભારતીય ક્રિકેટ આલમ શોકના સાગરમાં ડૂબ્યો છે. મહાન ક્રિકેટર સલીમ દુરાનીએ આજે જામનગરમાં પોતાના નિવાસસ્થાને મોડી રાત્રે ૩ વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે.
લાંબા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. જેને પગલે ૮૬ વર્ષની વયે તેઓનું નિધન થયું છે. ક્રિકેટ ચાહકોની માંગ મુજબ સિક્સર ફટકારતા સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીના નિધનથી તેમના અનેક ચાહકો આઘાતમાં ડૂબ્યા છે.
જામનગર ખાતે મોરકાંડા રોડ પર આવેલી ગરીબ નવાઝ -૨ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. સલીમ દુરાની પોતાના નાનાભાઈ સાથે રહેતા હતા, દરમિયાન તેમણે આજે વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ ફાની દુનિયાને આલવીદા કહ્યું હતું. જે અંગેના અહેવાલ પ્રાપ્ત થતાં સગાસંબંધીઓ અને વિસ્તારવાસીઓ તેમના નિવાસ્થાને દોડી આવ્યા હતા.
નોંધનીય છે કે આજથી ૩ મહિના આગાઉ સલીમ દુરાની પોતાના ઘરે પડી ગયા હતા, અને ઇજાગ્રસ્ત થયા હતા. જોકે સારવાર બાદ તેઓની તબિયત સુધારા તરફ હતી. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હતા, અને ગઈ મોડી રાત્રે નાદુરસ્ત તબિયતને પગલે તેઓનું નિધન થયું છે. સાંજે પાંચ વાગ્યે જામનગરના વ્હોરાના હજીરા નજીક આવેલ ઢોલિયા પીરની દરગાહ કબ્રસ્તાન નજીક તેઓની દફનવિધિ કરવામાં આવી હતી, ત્યારે તેમના કુંટુંબીજનો, આસપાસના વિસ્તારના રહેવાસીઓ, તેમજ અનેક ક્રિકેટ ચાહકો હાજર રહ્યા હતા, અને તેઓને અંતિમ વિદાય આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સલીમ દુરાનીના નિધન પર દુઃખ વ્યકત કર્યું હતું. તેઓએ સલીમ દુરાની સાથેની જૂની યાદો વાગોળી કહ્યું કે સલીમ દુરાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને મજબૂત નાતો રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. મને પણ તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી જેના વ્યક્તિત્વથી હું ખૂબ પ્રભાવિત થયો છું.
અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મ થયા પછી ભારત આવીને જામનગરમાં વસવાટ કરતા હતા
સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના સિકસરના બેતાજ બાદશાહ ગણાતા હતા. ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, અને વર્ષોથી ભારતમાં વસવાટ બાદ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ આજે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.
પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી ના નામે ૮૫૪૫ રન પૈકી ૧૪ સદી-૪૫ અર્ધ સદી
જામનગર માટે ગૌરવ સમાન પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા સલીમ દુરાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૭૦ મેચ રમ્યા છે.આ દરમિયાન તેઓએ ૮૫૪૫ રન બનાવ્યા છે. જેમાં ૧૪ સેન્ચ્યુરી અને ૪૫ હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં કુલ ૪૮૪ વિકેટ પણ લીધી છે.