જામનગરના પ્રદર્શન મેદાનના મેળાના રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની તંત્ર દ્વારા ચકાસણી કરાઈ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન મેદાનના મેળાના રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની તંત્ર દ્વારા ચકાસણી કરાઈ 1 - image


Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 20 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર સુધીના 15 દિવસ માટેના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેળાના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે કે કેમ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા કરવામાં આવી હતી અને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં મશીન મનોરંજનની મોટી 18 જેટલી મોટી રાઈડ, તેમજ અન્ય નાની બાળકોની ચિલ્ડ્રન રાઈડ ઉભી કરાઈ છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગઈકાલે રજાના દિવસે પણ મેળા મેદાનમાં રાઈડ ધારકો દ્વારા તૈયાર રખાયેલા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.

 ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોયની રાહબરી હેઠળ જુદા જુદા વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસર જયવીરસિંહ રાણા, ઉમેદ ગામેતી, સજુભા જાડેજા,ઉપેન્દ્ર સુમડ, કામિલ મહેતા સહિતના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફાયરના બાટલા પાણી અને રેતીની ડોલ પાણીના બેરલ સહિતની સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવાઇ છે કે કેમ? તેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. તેમજ સ્ટોલ ધારકોને પણ પ્લાસ્ટિક, કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા તેમજ રમકડાના માલ સામાનના પુઠા પ્લાસ્ટિક વગેરેનો જથ્થો પણ અન્ય સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. ખાણી પીણીના સ્ટોલમાં પણ કપડાંના સ્ટોલ નહીં પરંતુ પતરાના સ્ટોલ ઊભા કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જામનગરના પ્રદર્શન મેદાનના મેળાના રાઈડધારકોના ફાયર સેફ્ટી સાધનોની તંત્ર દ્વારા ચકાસણી કરાઈ 2 - image

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી બાબતે વિશેષ સુવિધા કરાઈ 

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં આગ-અકસ્માત સહિતની કોઈપણ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શકાય તેમ જ ફાયર સંબંધિત કોઈ સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા, નાયબ કમિશનર અને સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોયની રાહબરી હેઠળ પ્રદર્શન મેદાનમાં 15 દિવસ માટેનું હંગામી મીની ફાયર સ્ટેશન ઉભું કરીને ફાયર ફાઇટરની સાથે ફાયરના જવાનોની ટીમને રાઉન્ડ ધ ક્લોક તહેનાતમાં રાખવામાં આવી છે. તેમજ જરૂરી સાધન સામગ્રી પણ સ્થળ પર જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

આ ઉપરાંત મેળાના તમામ આયોજકો સ્ટોલ ધારકો વગેરેને ફાયરના તમામ જરૂરી સાધનો પોતાના ધંધાના સ્થળે ઉપલબ્ધ કરાવાયા પછી કોઈ અકસ્માત સર્જાય તો તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટેના જરૂરી માર્ગદર્શન માટેનો સેમિનાર યોજીને સ્થળ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મેળાના પ્રારંભ પહેલાં જ તમામ મેળાના સંચાલકો-સ્ટોલ ધારકો રાઈડ ઓપરેટર વગેરેને એકત્ર કરીને ફાયર શાખાના તજજ્ઞ સ્ટાફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આગ અકસ્માતના ત્વરિત નિવારણ સંબંધે તંત્ર દ્વારા પૂરતી તકેદારીએ રાખવામાં આવી રહી છે.


Google NewsGoogle News