જામનગરમાં SPG કમાન્ડોની ત્રણ ટીમોને સાથે રાખીને વડાપ્રધાનના રૂટ પર ગઈ રાત્રે ફાઇનલ રિહર્સલ કરાયું
- જામનગરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે 1100 થી વધુ પોલીસ જવાનો સહિતના સુરક્ષકર્મીઓ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો
જામનગર,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
જામનગર શહેરમાં આજે ભારતના વડાપ્રધાનના આગમનની પૂર્વ રાત્રે એસપીજી કમાન્ડોની ત્રણ ટીમોને સાથે રાખીને ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું, તેમજ પીએમની સુરક્ષા માટે 1100 થી વધુ પોલીસ જવાનો સહિતના સંરક્ષા કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અને તમામ પોલીસ કર્મચારીઓને તેઓના પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા છે.
જામનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રી રોકાણને લઈને તેમજ દિગજામ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધીના ભવ્ય સ્વાગત અને રોડ શૉને ધ્યાનમાં રાખીને સુરક્ષા વીભાગની ટીમ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. એસપીજી કમાન્ડોની ત્રણ ટીમ સહિતના વિશાળ વાહનોનો કાફલો જેમાં ફાયર એમ્બ્યુલન્સ વગેરેને પણ જોડવામાં આવ્યા હતા, અને જામનગરના એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધીનું ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઉપરોક્ત રૂટના તમામ માર્ગોને રાત્રિના સમયે વાહનની અવાર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
ઉપરાંત પી.એમ.ની સુરક્ષા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો સહિતના 1100થી વધુ સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને ગઈકાલે મોડી સાંજ થીજ તમામને પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા હતા, અને તમામ સુરક્ષાકર્મીઓને બંદોબસ્તની સોંપણી કરી દેવામાં આવી છે.
ઉપરાંત જાહેર માર્ગો પર પી.એમ.ના આગમનને લઈને આજે બપોર પછીથી વાહનોની અવરજવર પ્રતિબંધ ફરમાંવતા જાહેરનામઓ પ્રસિદ્ધ કરી દેવાયા છે, અને તેના માટેના વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. જે સ્થળેથી વાહન વ્યવહારને ચાલુ રખાયો છે, અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી રહી છે.