Get The App

જામનગરના દારૂ ભરેલી કારનો LCBએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા : 26 કિમી બાદ 357 નંગ દારૂની બોટલ સાથે બુટલેગર પકડાયો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
જામનગરના દારૂ ભરેલી કારનો LCBએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા  :  26 કિમી બાદ 357 નંગ દારૂની બોટલ સાથે બુટલેગર પકડાયો 1 - image


Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ગઈકાલે એક દારૂ ભરેલી કારનો એલસીબીની ટુકડીએ પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 26 કિલોમીટર જેટલો પીછો કર્યા પછી એલસીબીની ટુકડીએ 357 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લીધો છે, જ્યારે એક બુટલેગર છલાંગ લગાવી ભાગી છુટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. ઉપરાંત રાજસ્થાનના એક સપ્લાયર તથા જામનગરના બે રીસીવર સહિત અન્ય ત્રણને પણ ફરાર જાહેર કરાયા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન તારાણા ગામના ટોલનાકા પાસે એક કાર યૂ ટર્ન લઈને ભાગવા લાગી હતી. જેથી એલસીબીની ટુકડીએ તે કારનો પીછો કર્યો હતો, અને 26 કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ધ્રોલ નજીક માણેકપર ગામના પાટીયા પાસે કાર રોડથી નીચે ઉતરી જતાં એલસીબીની ટુકડી ત્રાટકી હતી.

જે દરમિયાન એક દારૂનો ધંધાર્થી કારમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટ્યો હતો, જયારે કારનો ચાલક ઝડપાઈ ગયો હતો. જેને અટકાવીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પાબુરામ પ્રતાપસિંહ બિશ્નોય અને મૂળ રાજસ્થાનના બાડમેર નો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતાં અંદરથી નાની મોટી 357 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઇંગલિશ દારૂ, મોબાઈલ ફોન, અને કાર સહિત કુલ રૂપિયા 6,49,600 ની માલમતા કબજે કરી છે. આ ઉપરાંત કારચાલકની સાથે મૂળ રાજસ્થાનનો વતની દિનેશ બિશ્નોય છલાંગ લગાવીને ભાગી છુટ્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. જયારે દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉમેદસિંહ નામના એક દારૂના ધંધાર્થીએ સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. આ ઉપરાંત જામનગરમાં રહેતા અજયસિંહ લગધીરસિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, કે જે બંનેએ દારૂ મંગાવ્યો હોવાથી તેઓને રીસીવર તરીકે ફરાર જાહેર કરી તેઓ બંનેની પણ શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News