જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો
G G Hospital Jamnagar : જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઝૂંપડીમાંથી એક અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી એક છાપરા નીચે અંદાજે 50 વર્ષની વયનો કોઈ અજ્ઞાત પુરુષ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબો દ્વારા તેની તપાસણી કરતાં તેનું બીમારીના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
જે બનાવ અંગે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ચંદ્રેશ કાંતિલાલ રાઠોડએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે તેની ઓળખ કરવા માટે જામનગરની જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. મૃતકે સફેદ ચોકડી વાળું આખી બાયનું શર્ટ તેમજ ભૂરા કલરનું પેન્ટ પહેરેલા છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો સિટી બી.ડિવિઝન પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.