જામનગરની ક્રેડિટ બુલ્સ કંપનીના સંચાલકોના કરોડોના કૌભાંડમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલાયો
જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર એક બિલ્ડિંગમાં આવેલી ક્રેડિટ બુલ્સ કંપની ના સંચાલકોએ જામનગર સહિતના સંખ્યાબંધ લોકોની કરોડોની રકમ રોકાણના બહાને મેળવી લઈ ચીટીંગ કરવા અંગેના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો, જેની રિમાન્ડની મુદત પૂરી થતાં જેલ હવાલે કરાયો છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવાઈ રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યુ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટબુલ્સ નામની કંપની સંચાલકોએ જુદા જુદા અનેક લોકોને જુદી જુદી સ્કીમમાં નાણાનું રોકાણ કરાવી માસિક ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. અને છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ લોકો ના નાણા નું રોકાણ કરાવ્યું હતું,
જેમાં રોકાણકારો પૈકીના જામનગરના એક વેપારી કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયાએ પોતાની રૂપિયા પાંચ લાખની રકમ રોકાણના બહાને મેળવી લઇ છેતરપિંડી કરવા અંગે ક્રેડિટ બુલ્સ કંપનીના સી.ઇ.ઓ. અને ફાઉન્ડર જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા ધવલ દિનેશભાઈ સોલાણી" ક્રેડિટબુલ્સ કંપનીના પાર્ટનર મુંબઈના ફર્જાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડિટ બુલ્સ કંપનીના રિઝનલ હેડ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા પંકજ પ્રવીણભાઈ વડગામા, અને ક્રેડિટ બુલ્સ કંપનીના હ્યુમન રિસોરસિંગ રિઝનલ જામનગરમાં પટેલ કોલોની માં રહેતા યશ દિનેશભાઈ સોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલિસે પંકજ વડગામા નામના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. જેની ઘનિષ્ઠ પૂછપરછમાં તેના રેહેણાક મકાન તેમજ બેંકના ખાતા અને બેંક લોકર્સ વગેરેની તપાસણી કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં પોલીસને ઉપરોક્ત આરોપી પાસેથી કોઈ રકમ અથવા અન્ય સાહિત્ય મળ્યું નથી,
જે આરોપીની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરાયો હતો, અને તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. પરંતુ સમગ્ર બનાવમાં સંડોવાયેલા તેના અન્ય ત્રણ ભાગીદારોની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. તેઓ પોતાના પરિવાર સાથે અગાઉથી પ્લાન બનાવ્યા મુજબ ઘર છોડીને દુબઈ તરફ ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.