જામનગર શહેરની યુવતીને બ્લેકમેલ કરનાર શખ્સને શોધી કાઢી 181 ની ટીમે કાયદાનું ભાન કરાવ્યું
- પીડિતાના ફોટા- વીડીયો વાયરલ કરવાની ધમકી અપાતાં પીડિતાએ 181 ટીમની મદદ લીધી
જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર
જામનગર શહેરમાં કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. જેમાં એક પીડીતા દ્વારા 181માં ફોન કરી મદદ માંગવામાં આવી હતી, અને જણાવેલું કે છેલ્લા સાત માસથી તેઓ એક યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા, બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતાં યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે, અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે. અને પૈસા પણ માંગે છે.
આજે 1500 રૂપિયા લઈને બોલાવેલા છે. જેથી એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ તેની મદદની જરૂર છે.
આથી તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીશ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલાએ ઘટના સ્થળ પર પહોંચી જઇ યુવતીને આશ્વાશન આપવામા આવ્યું હતું, અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
ત્યારે તેણીએ જણાવેલું કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી, છતાં યુવક જબર જસ્તી સબંધ રાખવા દબાણ કરે છે, અને પીડિતા દ્વારાના પાડતાં તેણીના ફોટા-વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે.
આજે યુવકે મળવા બોલાવેલા હોય, અને 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવ્યું હતું.
પરંતુ પીડિતાને ડર હતો, કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે, તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે. તેથી 181 ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઇ ગઈ હતી, અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડયો હતો, અને કડક શબ્દોમાં સમજણ આપી તેના ફોનમાંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરાવ્યાં હતા, અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન નહી કરવા કડક શબ્દોમાં સૂચન કર્યું હતું.
ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને હેરાનગતિ નહીં કરે, તેવી ખાતરી આપી હતી.
પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય, અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા.
આમ 181 ટીમ દ્વારા સૂજબુજ સાથે કરવામાં આવેલી ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવીને પીડિતા દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.