જામનગરમાં ખાનગી ફાઈનાન્સ પેઢીની રિકવરી ટિમના સભ્યોનો આતંક : લોનના હપ્તા ભરવા બાબતે હથિયારો વડે હુમલો
Jamnagar Crime : જામનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીના રિકવરી ટિમના સભ્યો દ્વારા રિકવરીના મુદ્દે ભારે હંગામો મચાવી જાહેરમાં આતંક મચાવ્યો હતો, અને લોનના હપ્તા ભરવાના મામલે લાલવાડી ચોકડી પાસે હંગામા મચાવી લોનધારકો પર લાઠીઓ વિેંજવામાં આવતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જામનગરના લાલવાડી ચોકડી વિસ્તારમાં આજે સવારે ખાનગી પેઢીના રિકવરી ટિમના વ્યવસ્થાપકો લોનના બાકી રોકાતા નાણાંની રિકવરી માટે પહોંચ્યા હતા.
જ્યાં લોન ધારક સાથે પૈસા ભરવા બાબતે જાહેરમાં બઘડાટી બોલાવી હતી, અને લોનધારક પર લાકડાના ધોકા-લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દેવાયો હતો.
જે અંગેનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ થયો છે. આખરે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ રહી છે, અને લોન ધારક દ્વારા ફાઇનાન્સની પેઢીના રિકવરીના કેટલા સભ્યો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.