જામનગરના કાલાવડમાં અસામાજિક તત્વોનો આતંક : પવનચક્કીના ટાવરોમાં તોડફોડ માં કરી 6.36 લાખનું નુકશાન પહોંચાડ્યું
Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વરૂડી અને મોટી માટલી ગામ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી જુદી જુદી પવનચક્કીઓના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ વગેરે ઢોળી નાખી પવનચક્કીના ટાવરને અંદાજે 6.36 લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા શખ્સોએ ઉપરોક્ત વિસ્તારમાં આવેલી અલગ અલગ છ જેટલી પવનચક્કીના ટ્રાન્સફોર્મરના વાલ્વ ખોલી નાખી તેમાંથી 1100 લીટર જેટલું ઓઇલ ઢોળી નાખ્યું હતું. ઉપરાંત પવન ચક્કીના કંટ્રોલરૂમમાં આવેલા કેબલને નીચેના ભાગમાંથી સળગાવી નાખી નુકસાન પહોંચાડ્યું હતું.
જે મામલે કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી અમિતભાઈ સવજીભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે નુકસાની અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.