જામજોધપુર ટાઉનમાં લુખ્ખા તત્વોનો આતંક: એક વેપારીની દુકાનમાં ખુલ્લી ગુંડાગીરીનો વરવો નમુનો
Image: Freepik
જામજોધપુર ટાઉનમાં લુખ્ખા તત્વો નો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હતો, અને કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કર્યા પછી પૂર્વયોજિત કાવતરું ઘડી ધ્રાફા પંથકના છ થી આઠ જેટલા શખ્સોએ લાકડી ધોકા સાથે વેપારની દુકાનમાં ઘૂસી જઈ આડેધડ હુમલો કરી વેપારીનું માથું ફોડી નાખ્યાનું સામે આવ્યું છે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.
ઇજાગ્રસ્ત વેપારી દ્વારા હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાતા જામજોધપુરનું પોલીસ તંત્ર દોડતું થયું છે. જે મારામારીનો વિડીયો જામજોધપુર સહિત જામનગરમાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી છે.
જામ જોધપુર ના ખોળ કપાસીયા ના વેપારી ચિરાગભાઈ દેલવાડીયા (પટેલ) પર પાર્કિંગ બાબત ના પ્રશ્નનો ખાર રાખી શક્તિ સિંહ જાડેજા તથા જગદીશશિંહ જાડેજા તેમજ ૬ જેટલા અજાણ્યા શખ્શો એ બપોરના સમયે દુકાન માં ધુસી જઈ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવના પગલે વેપારી આલમ માં રોષ ફાટી નીકળ્યો હતો, અને ઇજાગ્રસ્ત વેપારી અને તેના કર્મચારીને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, દરમિયાન હોસ્પીટલમાં વેપારીઓનો ટોળા એકત્ર થઈ ગયા હતા, અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ એલ ઓડોદરા તેમની ટીમ સાથે વેપારીની દુકાને તેમજ હોસ્પિટલે પહોંચી ગયા હતા, વેપારીની ફરિયાદના આધારે ધ્રાફા ગામના બે શખ્સો અને તેના અન્ય સાગરીતો સામે હુમલા અંગેની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓને શોધી કાઢવા માટેની કવાયત શરૂ કરી છે.
વેપારીની દુકાનની બહાર કાર પાર્ક કરવાના મુદ્દે વેપારી અને તેના સ્ટાફ સાથે આરોપી ના મળતીયાઓને કાર પાર્ક કરવાના મુદ્દે અગાઉ બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને ગઈકાલે બપોરે હુમલાખોરો દુકાનમાં ધસી આવ્યા હતા, અને વેપારી પર હુમલો કર્યો હતો એને બચાવવા માટે વચ્ચે પડેલા પાડોશી વેપારીને પણ માર ખાવાનો વારો આવ્યો હતો. ઉપરોક્ત બનાવનો વિડીયો જામજોધપુર સહિત જિલ્લાભરમાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.