જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાંથી સાત મહિલાઓ સહિતના દસ શખ્સો જુગાર રમતાં પકડાયા
- પોલીસે સ્થળ પર 14 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
જામનગર, તા 27,
જામનગરમાં અંધાશ્રમ ફાટક પાસેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી સાત મહિલા તથા ત્રણ પુરુષ સહિત દસ શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
અંધાશ્રમ રેલવે ફાટક નજીક મુંબઈ દવા બજાર કોલોની શેરી નંબર એકમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઇને ગંજીપાના વડે હારજીત નો જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી સી ડીવિઝન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સાત મહીલાઓ અને ત્રણ પુરુષો ગંજીપાનાનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.
આથી પોલીસે જુગાર રમી રહેલી હેમ કુંવરબા હનુભા જાડેજા, હમીદા બેન હુસેનભાઇ બ્લોચ, જુબેદા બેન ઈસ્માઈલભાઈ પીંજારા, ઈલાબા મહિપતસિંહ જાડેજા, મંજુબા અજીતસિંહ ગોહિલ, સંધ્યાબેન વિજયભાઈ પરમાર, પૂજાબેન ધર્મેન્દ્રભાઈ આંબલીયા, ગણપતસિંહ મૂળુભા જાડેજા, કાળુભા માનસંગજી જાડેજા અને મહિપતસિંહ મુળુજી જાડેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 14,500ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.