જામનગરના દરેડમાં તક્ષશિલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે : દ્વારકા પીઠના શંકરાચાર્યની જાહેરાત
Jamnagar Takshashila Shikshan Sankul : : જામનગરમાં દરેડ સ્થિત તક્ષશિલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે. આ ઉપરાંત, આ સંકુલમાં સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે દ્વારકા પીઠના શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતીજી તા.1 ઓક્ટોબરે જામનગરની મુલાકાત લેશે તે સમયે વિધિવત જાહેરાત કરશે.
શંકરાચાર્યજીની આ જાહેરાતથી દરેડ અને આસપાસના વિસ્તારના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તક્ષશિલા સંકુલમાં પહેલાથી જ શિવ મંદિર આવેલું છે અને હવે પરશુરામ મંદિર બનવાથી આ સંકુલ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસશે તેવી આશા સેવાઈ રહી છે.
આ પ્રોજેક્ટને બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટીમાં પી.સી.ખેતીયા અને જયદેવભાઇ ભટ્ટ છે. શંકરાચાર્યજી આ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પરશુરામ મંદિર ઉપરાંત, સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં લગભગ બે લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ઉપલબ્ધ છે. શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.