હાલારમાં ઠારનું સામ્રાજય: જામનગરમાં 14.0 ડિગ્રી તાપમાન
જામનગરમાં એક દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ગગડતા શિતલહેર જેવું વાતાવરણ
જામનગર,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
જામનગર સહિત સમગ્ર રાજયમાં છેલ્લા ત્રણેક દિવસથી ઉતર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધ-ઘટ જોવા મળી રહી છે. દરમિયાન જામનગરમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો બે ડિગ્રી ગગડીને 14.0 ડિગ્રીએ પહોંચતા સર્વત્ર ઠારનું સામ્રાજય સર્જાયુ હતું. અલબત મહત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઉંચકાતા દિવસના ભાગે રાહત વર્તાઇ હતી.
જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન બે ડિગ્રીના ઘટાડા સાથે 14.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રીના વધારા સાથે 26.5 ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકના 40.0 કી.મી. ઝડપે નોંધાઇ હતી.