12- જામનગર લોકસભા વિસ્તારની ચૂંટણી માટે હાલારના બંને જિલ્લાઓમાં તંત્ર સજ્જ: 18,13,913 મતદારો લોકશાહીનું પર્વ મનાવશે

- હાલારના બન્ને જિલ્લાઓમાં 1,879 મતદાન મથકો ઉભા કરાશે: જેમાં ૩૮૬ સંવેદનશીલ મતદાન મથક;૪ જૂને હરિયા કોલેજમાં થશે મત ગણતરી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
12- જામનગર લોકસભા વિસ્તારની ચૂંટણી માટે હાલારના બંને જિલ્લાઓમાં તંત્ર સજ્જ: 18,13,913 મતદારો લોકશાહીનું પર્વ મનાવશે 1 - image


જામનગર, તા. 17 માર્ચ 2024, રવિવાર

દેશના ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે આગામી લોકસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત કરાયા પછી હાલારના બંને જિલ્લાઓની ૧૨- જામનગર લોકસભા વિસ્તારની ચૂંટણી માટે ૭મી મે ના રોજ મતદાન થશે, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો લોકશાહીનું પર્વ મનાવશે. જેના માટે વહીવટી તંત્ર સજજ બન્યું છે.

હાલાર ના બંને જિલ્લાઓમાં કુલ 1,879 મતદાન મથકો ઉભા કરાશે, જેમાં ૩૮૬ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણી યોજાયા બાદ આગામી ૪ જૂને જામનગરની હરિયા કોલેજ માં મતગણના હાથ કરાશે. જામનગર ના જિલ્લા કલેકટર તેમજ ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કરાયા અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી માટે ૭મી મેના રોજ મતદાન યોજાશે અને બંને જિલ્લામાં કુલ ૧૮,૧૩,૯૧૩ મતદારો મતદાન કરશે. તેના માટે જામનગર જિલ્લાના ૭૬- કાલાવડ વિધાનસભા વિસ્તાર, ૭૭- જામનગર ગ્રામ્ય, ૭૮-જામનગર ઉત્તર, ૭૯- જામનગર દક્ષિણ, ૮૦ જામજોધપુર, ૮૧- ખંભાળીયા અને ૮૨- દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાયા છે, જેમાં ૩૮૬ સંવેદનશીલ જાહેર કરાયા છે.

૮૫ વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટીંગ ની સુવિધા ઉભી કરાશે

મતદારોની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં ૮૬ વર્ષથી ઉપરના ૧૧૪૦૫ મતદારો છે, જે પૈકી ૩૭૩ મતદારો ૧૦૦ વર્ષથી ઉપરના છે, જેઓ માટે હોમ વોટીંગ ની સુવિધા ઉભી કરાશે.

હાલારના બંને જિલ્લામાં ૩૬ ટ્રાન્સ જેન્ડર મતદારો

જામનગર જિલ્લા ના કાલાવડમાં ત્રણ ટ્રાન્સ ઝેન્ડર મતદારો નોંધાયેલા છે, જેમાં કાલાવડ વિસ્તારમાં ૦૩, જામનગર ઉત્તરમાં 

-૧ જામનગર દક્ષિણમાં ૧૨ ખંભાળિયામાં ૧૨, અને દ્વારકામાં ૮ સહિત કુલ ૩૬ ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

મહિલા સંચાલિત-૭ દિવ્યાંગ સંચાલિત -૧ મતદાન મથક રહેશે

જામનગર જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા ના ભાગરૂપે આગામી સાતમી મે ના રોજ જામનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કુલ સાત મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરાશે, અને પ્રિસાઈડીંગ ઓફિસર થી માંડીને તમામ મહિલા કર્મચારીઓ આ મતદાન મથકમાં જોડાશે. એ જ રીતે દિવ્યાંગ દ્વારા સંચાલિત જામનગર શહેરમાં -૧ મતદાન મથક ઊભું કરાશે, જ્યારે -૧ મોડલ મતદાન મથક તરીકે જ્યારે યુવા અધિકારી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાએ પણ -૧ મતદાન મથક રહેશે.

૫૦ ટકા થી વધુ મતદાન મથકો નું વેબ કાસ્ટિંગ થશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧,૮૭૯ મતદાન મથકો ઉભા કરાશે જે પૈકી ૯૦૦ થી વધુ મતદાન મથકોમાં સીસીટીવી કેમેરા વગેરે ગોઠવીને તેના માધ્યમથી વેબ કાસ્ટિંગ કરાશે.

હાલારના બંને જિલ્લામાં ૮,૮૭૨ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે

હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ ૮,૮૭૨ કર્મચારીને ચૂંટણી ફરજ માટે જોડવામાં આવશે, જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં કુલ ૫,૫૬૯ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા વિસ્તારમાં ૩૩૦૩ કર્મચારીઓની નિમણૂક કરાશે.

હાલારના બંને જિલ્લામાં સાત રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર ઉભા થશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૦૭ રીસીવિંગ સેન્ટર ઉભા થશે. જેમાં કાલાવડમાં માટે હરધોળ હાઇસ્કુલ- ધ્રોલ, જામનગર ગ્રામ્ય માટે હાલારી વીસા ઓસવાળ વિદ્યાલય- જામનગર, જામનગર ઉત્તર માટે ડીકેબી કોલેજ, જામનગર દક્ષિણ માટે પ્રભુલાલ સંઘરાજ વિદ્યાલય, જામજોધપુર માટે લાલપુર ની વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ, તેમજ ખંભાળિયામાં પ્રાંત કચેરી, જ્યારે દ્વારકામાં શારદા પીઠ કોલેજ દ્વારકામાં રીસીવિંગ સેન્ટર ઊભા કરાશે.

૪થી જુને  હરીયા કોલેજમાં થશે મત ગણતરી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭મી મે ના રોજ મતદાન થયા પછી તમામ ઇવીએમ મશીન જુદા જુદા સાત રિસીવિંગ સેન્ટરોમાં શીલ કરી ને મુકાયા પછી આગામી ૪ જૂને મતગણના થશે, અને જામનગર ના ઇન્દિરા માર્ગ ઉપર આવેલી ઔશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

મતદાન સંબંધી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ હોય અથવા જાણકારી મેળવવા માટેના ૧૯૫૦ ટેલિફોન નંબર નિર્ધારિત કરાયા છે, અને જામનગરની જિલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે. સાથો સાથ ૧૮૦૦-૨૩૩-૩૬૮૧ નો ટોલ ફ્રી ટેલીફોન નંબર પણ કાર્યરત બનાવાયો છે. જ્યારે ચૂંટણી સંબંધી કેટલીક આઇ.ટી. એપ્લિકેશનનો પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સી-વિઝીલ એપ્લિકેશનમાં ચૂંટણી આચારસંહિતા ભંગ અને ખર્ચની ફરિયાદો પણ કરી શકાશે.


Google NewsGoogle News