Get The App

જામનગરની જિલ્લા જેલમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને ભોજનમાં મીઠાઈ પિરસાઈ

Updated: Nov 4th, 2021


Google News
Google News
જામનગરની જિલ્લા જેલમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને ભોજનમાં મીઠાઈ પિરસાઈ 1 - image


- જિલ્લા જેલના એકમાત્ર સિનિયર સિટીઝન કેદીને પેરોલ નહીં મળતાં પરિવારને બદલે જેલમાં જ દિવાળી ઉજવશે

જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

જામનગરની જિલ્લા જેલમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને કેદીને ભોજનમાં આજે મીઠાઈ પીરસવામાં આવી છે, અને જેલ સુપ્રિ. અને જેલ સ્ટાફ દ્વારા તમામ  કેદીઓ ને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સિનિયર સિટીઝન કેદીને દિવાળીના તહેવારો પરિવાર સાથે મનાવવા માટે પેરોલ આપવા ની જાહેરાત થઈ હતી, જેમાં એકમાત્ર જામનગર જિલ્લા જેલ ના કેદીની દરખાસ્ત નામંજૂર થતાં તેઓ પરિવારના બદલે જેલમાંજ દિવાળી ઉજવશે.

જામનગરની જિલ્લા જેલમાં હાલમાં 585 કેદીઓ છે. જે તમામને દિવાળીના તહેવારોને અનુલક્ષીને જેલ તંત્ર દ્વારા મીઠાઈ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દિવાળીના તહેવારના દિવસે જેલના સ્ટાફ દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા જેલમાં જ આજે દિવાળીના તહેવારને અનુલક્ષીને મીઠાઈ બનાવવામાં આવી હતી, અને તમામ કેદીઓને ભોજનમાં મીઠાઇ પીરસવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા ગંભીર ગુના સિવાયના કેદીઓ કે જેઓ 60 વર્ષથી વધુ વયના છે, તેઓ દિવાળી પોતાના પરિવાર સાથે ઉજવી શકે તેવા નિર્ણય પછી જામનગર જિલ્લા જેલમાં 60 વર્ષથી ઉપરની વયના એક માત્ર કેદી, જે આજીવન કારાવાસની સજા ભોગવે છે. જેને દિવાળીના તહેવારમાં પેરોલ આપવા માટેની જેલ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરીને પોલીસ તંત્રને મોકલવામાં આવી હતી. જ્યાં તેનો રિપોર્ટ થયા પછી જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત મૂકાતાં તેઓની દરખાસ્ત નામંજૂર થઈ હોવાથી ઉપરોક્ત એકમાત્ર કેદી જિલ્લા જેલમાં દિવાળી મનાવશે.

Tags :
JamnagarJamnagar-District-JailDiwali

Google News
Google News