Get The App

જામનગરની તમામ ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરની તમામ ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ 1 - image


Jamnagar Fire Safty : રાજકોટની દુર્ઘટનાના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ પણે સજાગ બન્યું છે, અને સૌ પ્રથમ જામનગર શહેર આસપાસના 15 જેટલા ગેમઝોન બંધ કરાવી દીધા પછી આજથી શહેરની તમામ હોસ્પિટલો-રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સઝ, સિનેમાઘરો વગેરેમાં પણ ફાયર એનઓસી તેમજ બાંધકામ સહિતની તપાસણી કરવામાં આવી રહી છે.

 જામનગર મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં એક ફાયર વિભાગના અધિકારી તેમજ અન્ય બે ટીપીઓ વિભાગના અધિકારી સહિત ત્રણની ટુકડી બનાવીને શહેરના 16 વોર્ડમાં આઠ ટીમને દોડતી કરવામાં આવી છે.

 પ્રત્યેક ટીમને બે બે ફાળવણી કરીને સર્વે શરૂ કરાયું છે. જેમાં સૌપ્રથમ જામનગર શહેરની 125 ખાનગી હોસ્પિટલો કે જેના દ્વારા ફાયરનું એનઓસી મેળવાયું હતું, તે તમામ હોસ્પિટલોમાં આજે સર્વે કરવામાં આવી રહ્યું છે. જયાં ફાયર એનઓસીની મુદત પૂર્ણ થઈ કે છે કે કેમ, તેમજ ફાયરના સાધનો સંપૂર્ણપણે કાર્યરત છે કે નહીં, અને બાટલા વગેરેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

 ઉપરાંત ટીપીઓ શાખા દ્વારા બાંધકામ અંગેની મંજૂરી લેવાઇ છે કે કેમ, અને બાંધકામ કયા સ્ટેજ પર છે, તે અંગેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

 હોસ્પિટલના ચેકિંગ બાદ જામનગર શહેરના તમામ રેસ્ટોરન્ટ ઉપરાંત સિનેમા ઘર, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના તમામ સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેનો રિપોર્ટ તૈયાર કરીને 3 દિવસમાં મ્યુનિ. કમિશનરને પહોંચાડવામાં આવશે. ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.



Google NewsGoogle News