જામનગરના કાલાવડ પાસે ચાલુ એસટી બસમાં મુસાફરનો હંગામો , બસ ઉભી રાખવાના મામલે એસટી ડ્રાઈવર પર હુમલો
image: Filephoto
Jamnagar News : જામનગર-સોમનાથ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા જૂનાગઢના એક મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે એસ.ટી. બસ ઊભી રખાવવાના પ્રશ્ને હંગામા મચાવ્યો હતો અને એસ.ટી. ડ્રાઇવર પર હુમલો કરી દઈ તેની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શીતલા કોલોનીમાં રહેતા અને એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ કનુભા વાઢેર નામના 56 વર્ષના એસ.ટી. ડ્રાઇવર ગઈકાલે જામનગર-સોમનાથ રૂટની જી.જે.18-ઝેડ.ટી. 0784 નંબરની એસટી બસ લઈને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન બસની અંદર મુસાફરી કરી રહેલા જુનાગઢના વતની દિલીપસિંહ સીસોદીયા નામના મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે જાજરૂ જવા માટે એસટી બસને ઉભી રખાવવાનો ડ્રાઇવર પાસે આગ્રહ રાખ્યો હતો.
દરમિયાન ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેરે ગોલાઈ પછી બસને રાખવાનું કહ્યું હતું. દરમિયાન આરોપી મુસાફર દિલીપ સિંહ ઉશ્કેરાઈ ગયો હતો. અને એસ.ટી. ડ્રાઇવર સાથે અણછાજતું વર્તન કરી જપાજપી કરી તેના શર્ટનો કાંઠાલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. અને બસ ઉભી રખાવવાનો આગ્રહ કર્યો હતો.
આખરે આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને એસ.ટી. ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેર દ્વારા ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મુસાફર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.