જામનગરના એસટી ડિવિઝન દ્વારા આજે ગાંધી જયંતીના દિવસથી પોરબંદર માટેના બે નવા રૂટ શરૂ કરાયા

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગરના એસટી ડિવિઝન દ્વારા આજે ગાંધી જયંતીના દિવસથી પોરબંદર માટેના બે નવા રૂટ શરૂ કરાયા 1 - image

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા સમયાંતરે મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગાંધી જયંતીના દિવસે જામનગર થી પોરબંદર માટેના બે નવા રૂટનો પ્રારંભ કરી દેવાયો છે.

 જામનગરના એસ.ટી. ડેપો પરથી આજે 2જી ઓક્ટોબરને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે જામનગર થી પોરબંદર જવા માટે બે નવી બસના રૂટ દોડતા કરવામાં આવ્યા છે. જેથી જામનગર અને પોરબંદરના મુસાફરોને આવાગમન માટે સારો લાભ મળી રહેશે.

 જેમાં એક રૂટ જામનગરના ડેપોમાંથી સવારે છ વાગ્યે પોરબંદર વાયા ખંભાળિયા થઈને રવાના કરવામાં આવ્યો હતો, અને આ લોકલ બસના રૂટનું ભાડું 85 રૂપિયા નક્કી કરાયું છે. તે જ રીતે બપોરે ત્રણ વાગ્યાના 15 મિનિટે જામનગરના એસટી ડેપો પરથી બીજો રૂટ શરૂ કરાયો છે. જે વાયા લાલપુર થઈને પોરબંદર પહોંચશે, અને તેનું ભાડું 85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

 આ ઉપરાંત રૂપિયા 85 માં પોરબંદર થી જામનગર આવવા માટે સવારે 9.45 વાગ્યે બસ ઉપડશે અને વાયા લાલપુર થઈ જામનગર આવશે. જ્યારે સાંજે 7.00 વાગ્યે પોરબંદર થી જામનગર આવવા માટે 312 રૂપિયાના ભાડાથી એક્સપ્રેસ બસ ઉપાડવામાં આવશે, જે ખંભાળિયા થઈને જામનગર પરત ફરશે.

આમ પોરબંદર જામનગર વચ્ચેના રૂટના મુસાફરોને સારો લાભ મળશે, તેમ એસટી ડેપોના મેનેજર એમ.બી.વરમોરા દ્વારા જણાવાયું છે.


Google NewsGoogle News