જામનગરમાં હાટકેશ્વર મંદિરમાં શ્રી રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિષેશ ઉજવણી કરાઈ
જામનગર,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
પાંચસો વર્ષની પ્રતીક્ષા પછી અવધપુરીમાં રામ લલ્લાની ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી, તે પ્રસંગે જામનગરમાં હવાઇચોક નજીક આવેલા શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પણ વડનગર નાગર જ્ઞાતિની કાર્યવાહક સમિતિ દ્વારા વિષેશ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.સવારે 11 વાગ્યે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બપોરે 12 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠા સમયે શ્રી હાટકેશ્વર મહાદેવની મધ્યાહન આરતી કરવામાં આવી હતી. જેમાં અનેક ભક્તો જોડાયા હતા. અને મંદિર ખાતે સ્ક્રીન પર રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ સાંજે સાત વાગ્યે મંદિરમાં દીવા શણગાર અને આરતી શણગાર, રંગોળી દીપમાળા કરવામાં આવી હતી.
ત્યારબાદ ફરી સાંજે સાડા સાત વાગ્યે મહા આરતી કરવામાં આવેલ હતી, અને આરતી બાદ રામધૂન બોલાવી હતી. તમામ કાર્યક્રમો શ્રી હાટકેશ્વર મહાદેવ સમિતિ વડનગરા નાગર જ્ઞાતિની કાર્યવાહક સમિતિ દ્વારા યોજવામાં આવ્યા હતા. અને સર્વે જ્ઞાતિજનો આ ઐતિહાસિક દિવસની ભવ્ય ઉજવણીના સાક્ષી અને સહભાગી બનવા ઉપસ્થિત રહ્યા હતા.