જામનગરમાં બેડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહેલા શખ્સને SOGએ ઝડપી લીધો
image : Freepik
ગાંજાનો જથ્થો સુરત થી આયાત કર્યો હોવાની કબુલાત: સુરતના એક શખ્સને ફરાર જાહેર કરાયો
જામનગર,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
જામનગરમાં બેડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહેલા એક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ વોચ ગોઠવી ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો સુરત થી આયાત કર્યો હોવાનું કબુલ્યું છે, અને સુરતના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી, કે બેડી વિસ્તારમાં ધરારનગર-2 માં રહેતા સલીમ સીદીકભાઈ સુંભણીયા નામના વાઘેર શખ્સ દ્વારા નસીલા પદાર્થ ગાંજાનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ મોડી સાંજે દરોડો પાડયો હતો, અને સલીમ વાઘેરને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી રૂપિયા 5,000 ની કિંમતનો 500 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ અન્ય માલ સામગ્રી સહિત રૂપિયા 10,000 ની માલમતા કબજે કરી છે. જેની સામે બેડી મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.
આ જથ્થો ક્યાંથી મેળવ્યો છે, જેની જાણકારી મેળવવા માટે તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે પૂછપરછ દરમિયાન તેણે ગાંજા નો જથ્થો સુરત થી આયાત કર્યો હોવાનું અને સુરતના મુકેશ ઉર્ફે 'ભાઈ' નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલ્યું છે. જેને ફરાર જાહેર કરી તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.