જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ધોળે દહાડે માત્ર બે કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવતા તસ્કરો
- મકાન માલિક લગ્ન પ્રસંગમાં જમવા ગયા દરમિયાન પાછળથી તસ્કરોએ હાથ ફેરો કરી રૂપિયા 48 હજારની માલ મતા ઉઠાવી ગયા ની ફરિયાદ
Image Source: Freepik
જામનગર, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક દરજી પરિવારના રહેણાંક મકાનને તસ્કરો એ ધોળે દહાડે નિશાન બનાવી લઈ, પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે. દરજી પરિવાર લગ્ન પ્રસંગમાં જમવા ગયો હતો, દરમિયાન માત્ર બે કલાક બપોરના સમયે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લઇ અંદરથી રૂપિયા 48 હજારની માલમતાની ચોરી કરી લઈ ગયા પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની જલારામ મંદિર પાસે બ્લોક નંબર એલ 44ના ફ્લેટ નંબર 2933માં રહેતા અને દરજી કામ કરતા અતુલભાઇ વિનોદભાઈ સોલંકી (43) કે જેઓ ગઈકાલે બપોરે 1.00 વાગ્યે પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે જમણવારના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાંથી બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘેર પરત ફરતાં પોતાના ઘરના બાથરૂમ ની બારી તૂટેલી જોવા મળી હતી
જેથી અંદર જઈને નિરીક્ષણ કરતાં કોઈ તસકરોએ બાથરૂમની બારી વાટે અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી વસ્તુઓને વેરણ છેરણ કરી નાખી હતી, જ્યારે તિજોરીમાં રાખવામાં આવેલા રૂપિયા 47 હજારની કિંમતના સોનાના દાગીના અને 1,000ની રોકડ રકમ સહિત 48,000ની માલમતા ની ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાન માં આવ્યું હતું. તેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને અતુલભાઇ સોલંકીએ પોતાના મકાનમાં થયેલી ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સિટી એ. ડિવિઝન પોલીસે બનાવનાર સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.