જામનગરમા દિવાળીના ટાણે જ તસ્કરો સક્રિય બન્યા: બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવાયું
- બ્રાસપાર્ટના કારખાનેદાર સસરા-જમાઈના સહિયારા કારખાનામાંથી રૂપિયા 1.45 લાખની રોકડની ચોરી ની ફરિયાદ
- ચોરી કરવા આવેલો તસ્કર કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થયો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના ઉદ્યોગનગરમાં ઇન્દિરા રોડ પર આવેલી ભોલેનાથ કોલોનીમાં એક કારખાનામાં મોડી રાત્રે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ 45 હજારની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારખાના સીસીટીવી કેમેરામાં એક તસ્કર ચોરી કરવા આવ્યો હોવાથી કેમેરામાં કેદ થયો છે, જે વર્ણનના આધારે પોલીસ તસ્કરને શોધી રહી છે.
જામનગર શહેરના શંકરટેકરી ઉધોગનગર, ઇન્દીરારોડ પર આવેલી ભોલેનાથ કોલોનીમાં જયશ્રી માંડવરાયજી કાસ્ટ નામના કારખાનામાં ગત તા. 28મીના રાત્રીના ચાર વાગ્યાથી વહેલી સવાર સુધીના ગાળા દરમિયાન કોઈ અજાણ્યા સખ્સોએ કારખાનાની દીવાલ કુદી ને અંદર આવ્યા પછી બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા 1,45,000ની રોકડ રકમ હાથવગી કરી નાશી ગયો હતો.
આ બનાવ અંગે કારખાનેદાર રણજીતસિંહ નટુભા પરમારને જાણ થતાં તેઓએ સીટી સી. ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીએસઆઈ સહિતનો કાફલો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. અને સીસીટીવી કેમેરા ની મદદ લઇ તસ્કરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
જમાઈ અને સસરા દ્વારા કારખાનું ચલાવવામાં આવે છે. અહી દિવસ દરમિયાન 19 મજુર કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તમામના નિવેદન નોંધવા તજવીજ શરુ કરી છે. ઉપરાંત કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક તસ્કર દીવાલ કૂદી અંદર આવ્યા પછી બારીની ગ્રિલ તોડીને રોકડ રકમની ચોરી કરતાં કેદ થઇ ગયો છે .જે તસ્કરના વર્ણનના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને કેટલાક શકમંદ ને ઉઠાવી લઈ પૂછપરછ હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.