જામનગરમાં રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક-2માં પરિવારને બંધક બનાવી તસ્કરોનો ચોરીનો પ્રયાસ
- મકાન માલીક વૃદ્ધ દંપતિ ના નીચેના રૂમને બહારથી સ્ટોપર મારી તસ્કરોએ ઉપરના માળે હાથ ફેરો કર્યો
- તસ્કર ટોળકી ને કશું હાથ ન લાગ્યું હોવાથી બુટ-ચંપલની ઉઠાંતરી કરી જઈ સંતોષ માન્યો: જુના ચંપલ છોડી ગયા
જામનગર, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
જામનગરમાં ઠંડીની શરૂઆતની સાથે તસ્કર ટોળકી સક્રિય બની છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેણાંક મકાન -દુકાન વગેરેને નિશાન બનાવી રહ્યા છે, દરમિયાન ગઈ રાત્રે રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક -2 વિસ્તારમાં એક મકાનમાં ખાતર પાડ્યું હતું" અને નીચે ના ભાગે સૂતેલા વૃદ્ધ દંપતી સહિતના પરિવારને બંધક બનાવ્યા હતાં, અને ઉપરના માળે ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને કશું હાથ લાગ્યું ન હોવાથી નવા બુટ ચંપલ ઉઠાવી ગયા હતા.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ઇવા પાર્ક -2 માં રહેતા વૃદ્ધ દંપત્તિ અને તેઓની એક પુત્રી કે જેઓ મકાનના નીચેના ભાગે સુતા હતા, જે રૂમના દરવાજા ને તસ્કરોએ બહારથી સ્ટોપર લગાવી દીધી હતી, ત્યારબાદ ઉપરના માળે આવેલા રૂમના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. પરંતુ ઉપર કોઈ ચીજ વસ્તુ રાખી ન હોવાથી કપડાં સહિતની સામગ્રી વેરવિખેર કરી નાખી હતી. માત્ર તસ્કરોને બુટ ચંપલ હાથ લાગ્યા હતા.
પરિવારજનોના નવા ચંપલ ઉઠાવી પોતાના જુના ચંપલો ત્યાં જ મૂકીને ભાગી છૂટ્યા હતા. વૃદ્ધ દંપતિ અને તેની પુત્રી કે જેઓ નીચેના ભાગમાં સુતા હતા, જે રૂમમાં સોના-ચાંદીના દાગીના, રોકડ વગેરે રાખેલી હતી, જેથી તે તમામ સામગ્રી બચી ગઈ હતી, અને તસ્કરોને માત્ર પગરખાં થી સંતોષ માનવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં મોડેથી પોલીસ તંત્ર દોડતું થયું છે.